" શાંત ઝરૂખે વાટ નિરખતી રૂપની રાણી જોઇ હતી...
મેં એક શહજાદી જોઇ હતી..."
સૈફ પાલનપુરી દ્વારા લખાયેલ આ ગઝલ આજે પણ યુવાઓને મોંઢે છે. ભાગ્યે જ એવું કોઈ આપણને જોવા મળશે કે જેણે આ ગઝલ સાંભળી ન હોય. આ ગઝલને સ્વર આપનાર ગઝલ સમ્રાટ મનહર ઉધાસ આજે સાંજે રાજકોટ ખાતે તેમની સંગીત સંધ્યામાં તેમના સુર રેલાવશે. ઉલ્લેખનીય છે કે રાજકોટ મહાનગરપાલિકાના 50 વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ગઝલ સમ્રાટ મનહર ઉધાસ રાજકોટના મહેમાન બન્યા છે. જ્યાં તેમણે ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી હતી.
મને ગર્વ છે કે મારા રાજકોટ મહાનગરપાલિકાના 50 વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણી થઈ રહી છે. જેના માટે મને આમંત્રણ આપવામાં આવ્યું છે તેનો ખૂબ જ આનંદ છે. આજે સાંજે રાજકોટના રેસકોસ ગ્રાઉન્ડમાં ખૂબ સુંદર રીતે આ અદભુત પ્રસંગને ઉજવવામાં આવશે.
આધુનિક સમયમાં લોકો હવે ગઝલો ધીમે ધીમે ભૂલી રહ્યા છે. ત્યારે આ અંગે મનહર ઉધાસે જણાવ્યું હતું કે હું નથી માનતો કે ગઝલ લોકો ભૂલી રહ્યા છે. લોકોના જીવન સાથે આપણી ગઝલો વણાયેલી છે. જેના કારણે લોકો ગઝલોને ભૂલી શકે તેમ નથી. જ્યારે આજના કાર્યક્રમમાં રાજકોટવાસીઓને મારી ગઝલો અને મારા જે ગીતો છે તેને હું પ્રસ્તુત કરીશ. આગામી ત્રણ-ચાર મહિનામાં નવા પ્રોજેક્ટો પણ હું લઈને આવવાનો છું. - મનહર ઉધાસ, ગઝલ સમ્રાટ
ઉલ્લેખનીય છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ 50 જેટલા વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. એવામાં આજે ગઝલ સમ્રાટ મનહર ઉધાસની સંગીત સંધ્યા યોજવામાં આવી છે. ત્યારે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ મનહર ઉધાસની ગઝલો અને ગીતો સાંભળવા માટે ઉમટી પડે તેવી પૂરેપૂરી શક્યતાઓ માનવામાં આવી રહી છે.