રાજકોટ : રાજકોટ ક્રાઇમબ્રાન્ચને વધુ એક સફળતા પ્રાપ્ત થઈ છે. જેમાં ટુર એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થી પાસેથી ફોર વ્હીલ કાર છેતરપીંડી કરીને આ કારની ડુપ્લીકેટ આર.સી બુક બનાવીને કાર વહેંચી નાખતી આંતરરાજ્ય ટોળકીને ક્રાઇમબ્રાન્ચે ઝડપી પાડી છે. જેમાં વિપુલ પરબતભાઇ માંગલોળીયા અને દિવ્યેશ મધુભાઈ પટોળીયા નામના બે આરોપીની રાજકોટ ક્રાઇમબ્રાન્ચે ધરપકડ કરી છે.
આ ગેંગ દ્વારા રાજ્યના અલગ અલગ વિસ્તારમાં આવેલી ટુર એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થીના નંબર ઓનલાઈન એપ્લિકેશન મારફતે મેળવતા હતા. ત્યારબાદ તેમનો સંપર્ક કરીને સેલ્ફ ડ્રાઈવ માટે કાર ભાડે માંગતા હતા. જો ટુર એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થી કાર ભાડે આપવા માટે ડોક્યુમેન્ટ માંગે તો પણ આ શખ્સો ડોક્યુમેન્ટ પણ નકલી આપતા હતા. ત્યારબાદ કાર લઈને તેની જીપીએસ સિસ્ટમ પણ કાઢી નાખતા હતા. એટલે કારના માલિકને કાર અંગેની જાણ થાય નહિ. ત્યારબાદ આવી ચોરેલી કારની ડુપ્લીકેટ આર.સી બુક બનાવીને ફરી બજારમાં વહેંચતા હતા.
મોટાભાગના શખ્સો દેશના અલગ અલગ રાજ્યમાં જ્યાં જંગલ અને પર્વતીય વિસ્તારમાં આ ચોરાઉ કાર વહેંચતા જેનો ગેરકાયદેસર કામમાં વધુ ઉપયોગ થતો હોય છે. હાલ રાજકોટ ક્રાઇમબ્રાન્ચે ઈસમો પાસેથી બે કાર, ડુપ્લીકેટ ચૂંટણી કાર્ડ, ડુપ્લીકેટ ડ્રાઇવિંગ લાયસન્સ, ડુપ્લીકેટ આર.સી બુક સહિત કુલ રૂ. 24, 15000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. હાલ રાજકોટ પોલીસ દ્વારા આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે.