રાજકોટઃ રાજકોટ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ફરી કોંગ્રેસમાં જોડાશે. અગાઉ કોંગ્રેસમાંથી હાલના કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળીયાએ રાજીનામું આપ્યું હતું. તે સમય દરમિયાન રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પણ કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારથી તેઓ હજુ સુધી એક પણ પક્ષમાં જોડાયા ન હતા. તેમજ રાજકારણમાંથી સંપૂર્ણ સંન્યાસ લઇ લીધો હોય તેવું લાગ્યું હતું, પરંતુ ઇદ્રનીલે ફરી કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
અગાઉ પણ રાજ્યસભાની ચૂંટણી દરમિયાન સૌરાષ્ટ્ર સહિતના કોંગ્રેસના ધારાસભ્યો ઇન્દ્રનીલ રાજ્યગુરુના રિસોર્ટ ખાતે રોકાયા હતા. તે દરમિયાન જ ઇન્દ્રનીલની ભૂમિકા સ્પષ્ટ થઈ ગઈ હતી. પરંતુ આજે કોંગ્રેસમાં જોડાવાની વિધિવત જાહેરાત થતા તેઓ ફરી રાજકારણમાં સક્રિય થયા છે. આવતીકાલે બપોરના 12 વાગ્યા દરમિયાન ઇન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસના પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ તેમજ અધ્યક્ષ અમિત ચાવડાની હાજરીમાં કોંગ્રેસમાં જોડાવાના હતા પરંતુ તેમની નાદુરસ્ત તબિયતના કારણે કાર્યક્રમને મુલતવી રાખવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં મનપાની ચૂંટણી આગામી દિવસોમાં યોજાવાની છે. ત્યારે ઇન્દ્રનીલ ઘરવાપસીને લઇને કોંગ્રેસ પક્ષ વધુ મજબૂત બની શકે છે.