રાજકોટઃ ગોંડલ તાલુકાના દેરડી(કુંભાજી) ગામે સીમ વિસ્તારમાં ગત રાત્રીના માલધારીના નેસમાં દીપડો ત્રાટક્યો હતો. રાત્રીનાં 1 કલાકના સુમારે દીપડો ત્રાટકતા માલધારીના નેસમાં રહેલા પશુઓમાં નાસભાગ થઈ હતી. દીપડાએ બકરાનું મારણ કરતાં માલધારી અને દીપડા વચ્ચે ઝપાઝપી થઈ હતી.
માલધારીઓએ મહામહેનતે દિપડાના મોઢામાંથી બકરાને છોડાવીને દીપડાને ભગાડ્યો હતો. માલધારી અને દીપડા વચ્ચેની લડાઈમાં અન્ય બે બકરાઓને પણ સામાન્ય ઈજાઓ પહોંચી હતી. દેરડી(કુંભાજી)ગામે વારંવાર જંગલ છોડીને આવી ચડતાં સિંહ, દીપડા સહિતના હિંસક પ્રાણીઓને લઈને વાડી ખેતરમાં કામ કરતાં ખેડૂતો અને ખેતમજૂરો સહિતના ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. તો બીજી તરફ આ ઘટનાને પગલે ગોંડલ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી જઈને દીપડાની ભાળ મેળવવાના ચક્રો ગતિમાન કર્યા છે. જંગલ વિભાગે દીપડાને પાંજરે પુરવાની ક્વાયત હાથ ધરી હતી.