રાજકોટ : સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટને મેડિકલ ક્ષેત્રે વધુ એક સફળતા મળી છે. જેમાં જિલ્લાની બી.ટી સવાણી કિડની હોસ્પિટલમાં પ્રથમ વખત દર્દીની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી છે.
જિલ્લાના બે વર્ષના બાળક એવા વેદ ઝીંઝુવાડિયાનું બ્રેઇન ડેડ થતા તેના ઓર્ગન ડોનેટ કરવા આવ્યા હતા. જેમાં તેની બન્ને કિડની અમદાવાદના 17 વર્ષના તરુણના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. જેનું ઓપરેશન સફળ રહ્યુ હતું.
હાલમાં અમદાવાદની કિડની હોસ્પિટલ કોરોના મહામારીના કારણે કોવિડ 19માં ફેરવાઈ ગઈ છે. જેના પગલે તરુણની કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે રાજકોટની બી.ટી સવાણી કિડની હોસ્પિટલમાં અમદાવાદ કિડનીના ડોક્ટરની ટિમ આવી હતી અને રાજકોટમાં 17 વર્ષના તરુણના શરીરમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી હતી.
જો કે રાજકોટમાં પ્રથમ વખત જ કોઈ દર્દીની કિડની ટ્રાન્સપ્લાન્ટનું સફળ ઓપરેશન થયું છે. જેને લઈને રાજકોટને મેડીકલ ક્ષેત્રે વધુ એક સફળતા પ્રાપ્ત થઈ છે. આ સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટની રાજકોટના બે વર્ષના વેદ થકી અમદાવાદ 17 વર્ષના તરુણને નવું જીવનદાન પ્રાપ્ત થયું છે. ઉલ્લેખનીય છે કે વેદના પરિજનો દ્વારા તેની બન્ને આંખો પણ ડોનેટ કરવામાં આવી છે.