- આતશબાજીનો કાર્યક્રમ રદ કરાતા શહેરીજનોમાં પણ નાખુશી જોવા મળી
- મનપા દ્વારા શહેરમાં આતશબાજીનો કાર્યક્રમ યોજાતો હોય છે
- કોરોનાના કારણે નહી યોજાય તેવી જાહેરાત કરવામાં આવી
રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દિવાળી નિમિતે દર વર્ષે શહેરમાં ભવ્ય આતશબાજીનો કાર્યક્રમ યોજવામાં આવે છે. આ કાર્યક્રમ ધનતેરસની રાતે યોજવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ ઉમટી પડે છે. જ્યારે આતશબાજી દરમિયાન વિવિધ ફટાકડા ફોડવામાં આવે છે અને આકાશ પણ રંગબેરંગી બને છે. આતશબાજી દરમિયાન એક ઉત્સવનો માહોલ રાજકોટમાં છવાઈ જાય છે તેમજ આ આતશબાજીને માનવ માટે નાના બાળકો અને શહેરીજનોમાં પણ ઉત્સુકતા જોવા મળતી હોય છે. એવામાં આ વર્ષે દિવાળી દરમિયાન મનપા દ્વારા શહેરમાં આતશબાજીનો કાર્યક્રમ નહિ યોજવાની જાહેરાત કરવામાં આવી છે.
લાખોના ખર્ચે યોજવામાં આવે છે આતશબાજી
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે દિવાળી નિમિત્તે શહેરના રેસકોર્સ ખાતે આવેલ માધવરાય સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આ ભવ્ય આતશબાજી યોજવામાં આવે છે. જ્યારે આતશબાજી માટે દેશ વિદેશના અલગ અલગ ફટાકડાઓની પણ ખરીદી મનપા દ્વારા કરવામાં આવે છે. આ ફટાકડા આતશબાજી દરમિયાન ફોડવામાં આવે છે. જ્યારે અંદાજીત 1 કલાક સુધી એ આતશબાજી યોજાતી હોય છે. જેને રાજકોટની જાહેર જનતા માણતી હોય છે. એવામાં ચાલુ વર્ષે દિવાળી દરમિયાન આતશબાજીનો કાર્યક્રમ નહિ યોજાય.
લોકોની સલામતી પ્રથમ પ્રાયોરિટી : મેયર
રાજકોટમાં આતશબાજી નહિ યોજવામાં આવે તે અંગે મેયર ડો. પ્રદીપ ડવે જણાવ્યું હતું કે, રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા દિવાળી નિમિતે ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ આતશબાજીમાં પણ લાખો લોકો આવતા હોય છે એવામાં અહીં સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાતું નથી. જ્યારે હજુ પણ શહેરમાં કોરોનાના કેસ ક્યાંક ક્યાંક જોવા મળી રહ્યા છે. એવામાં રાજકોટમાં સૌથી પહેલી પ્રાયોરિટી લોકોની સલામતી છે. જેને કારણે મનપા દ્વારા આતશબાજી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગયા વર્ષે પણ નહોતો યોજાયો કાર્યક્રમ
ગયા વર્ષે પણ કોરોનાના કારણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આતશબાજીનો કાર્યક્રમ યોજાયો નહોતો. ત્યારે આ વર્ષે પણ દિવાળી દરમિયાન યોજાતી આતશબાજીનો કાર્યક્રમ નહિ યોજવાની મહાનગરપાલિકા દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જેને લઈને દર વર્ષે આતશબાજીનો કાર્યક્રમ માણતા શહેરીજનોમાં પણ નાખુશી જોવા મળી રહી છે.
આ પણ વાંચો : Heavy Rain In Uttarakhand: રાજકોટના 30થી વધુ યાત્રાળુઓ ફસાયાં
આ પણ વાંચો : ગુજરાતના 80 થી 100 જેટલા ગુજરાતીઓ ઉત્તરાખંડમાં ફસાયા, તમામ લોકો સલામત હોવાનો સરકારનો દાવો