- સતત બે દિવસમાં 30 જેટલા મૃતદેહોનો ધસારો આવતો હતો ભઠ્ઠીમાં
- આગની ઘટના અંગેની જાણ થતાં ફાયર ટીમ સાથે પોલીસ તેમજ PGVCLની ટીમ ઘટના સ્થળે પહોંચી
- ફાયર ફાઈટરો દ્વારા ભારે જહેમત બાદ લાગેલી આગ પર કાબુ મેળવવામાં આવ્યો
રાજકોટ: જિલ્લાના ઉપલેટામાં હિન્દૂ સ્મશાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ આ સ્મશાનમાં છેલ્લાં બે દિવસથી 30 જેટલા મૃતદેહોનો ઘસારો આવી રહ્યો હતો. જેના કારણે ડીઝલ સંચાલિત ભઠ્ઠીમાં આગ લાગવાનું પ્રાથમિક તારણોમાં જણાઈ રહ્યું છે. 22 એપ્રિલે આ સ્મશાનની ભઠ્ઠીમાં આગ લાગી હતી. આગ લાગવાની જાણ ફાયર વિભાગ પોલીસ અને વીજ કંપની PGVCLને કરતાં તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સતત બે ફાયર ફાઈટરો દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો જેને કારણે અંતે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. જોકે આ આગ લાગવાની ઘટનામાં સદભાગ્યે જાનહાની કે ઇજાઓ પહોંચી નથી.
આ પણ વાંચો:ગાંધીનગરના સ્મશાનોમાં જગ્યાઓ ખૂટી, કુલ 32 ભઠ્ઠીઓ કાર્યરત થશે
ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખે કરી સ્મશાનમાં લાકડા આપવાની અપીલ
ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડિયાએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, અત્યારે ઉપલેટામાં પણ કોરોનાને કારણે વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે ઉપલેટાના સ્મશાનમાં પણ ઘસારો આવી રહ્યો છે. જેને કારણે આ આગ લાગવાની ઘટના સામે આવી છે. સાથે જ તેમને લોકોને અપીલ કરી કે આ સ્મશાનની ભઠ્ઠીમાં રીપેરીંગ કામ શરૂ કર્યું હોવાથી લોકોએ સ્મશાનમાં લાકડા પહોંચાડવા વિનંતી કરવામાં આવી હતી.