રાજકોટઃ શહેરમાં બે દિવસ પહેલા ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી દલવાડી ચોકના શાહનગર 5માં રહેતી ઇલા નકુમ નામની યુવતીને લોહીલુહાણ હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જોકે યુવતીને વધુ સારવાર મળે તે પહેલા તેનું મોત નીપજ્યું હતું.
આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા આ યુવતી પર તેના પિતાએ કપડાં ધોવાના ધોકા વડે હુમલો કરતા તેનું મોત નીપજયું હતું. જેને લઈને પોલીસ પિતા ગોપાલભાઈ નારણભાઇ નકુમની અટક કરતા સામે આવ્યું હતું કે ઇલાને અન્ય ધર્મના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. જેને લઈને તેને યુવક સાથે લગ્ન કરવાની જીદ પકડી હતી. આ મામલે પિતા પુત્રી વચ્ચે અવારનવાર ઝઘડો થયો હતો અને પિતાએ ઉશ્કેરાટમાં તેના પર હુમલો કરતા અંતે પુત્રીનું મોત થયું હતું. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ યુવતી પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હોવાનું પણ સામે આવ્યું હતું.