રાજકોટઃ જિલ્લાના વિરપુર પંથકમાં ભારે વરસાદને કારણે ખેડૂતોને મોટાપાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. વિરપુર પંથકના કેટલાય ખેડૂતોએ પોતાના ખેતર કે જેમાં મગફળી કાઢીને રાખી હતી તેના પર બે દિવસથી સતત વરસાદ પડતાં હવે તે મગફળીનો પાક કામનો જ ન રહેતા પાક જ સળગાવી નાખ્યો હતો.
આ અંગે વીરપુર પંથકના ખેડૂતોએ જણાવ્યું હતું કે, અમે ખેતરમાં લાખો રૂપિયાનો ખર્ચ કરીને મગફળીનું વાવેતર કર્યું હતું, પરંતુ ભારે વરસાદને કારણે ઉભા પાકનો સોથ વાળી દેતા ખેડૂતોના પરિવાર આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયો છે, જે રીતે સરકારે સર્વે કરાવીને રાહત મળશે તેવી જાહેરાત કર્યા બાદ સર્વેની રાહ જોયા વગર ખેતર સાફ કરાવવાની મજુરી પણ પરવડે તેમ નથી. જેને લઈને એમે અમારા ખેતરમાં આગ લગાવીને પાક બાળી નાખ્યો છે.
આ અંગે ખેડૂતોએ વધુમાં જણાવ્યું કે મગફળીનો પાક પાકી જતા કાઢીને રાખ્યો છે, જે મગફળીના એક છોડમાં વીસથી પચીસ દાણા હોય તેમાં હાલ માત્ર પાંચથી છ જ દાણા જોવા મળે છે અને તે દાણાની ખોલતા અંદર મગફળીનો દાણો જ નથી નીકળતો અને અમારે હાલ બીજા પાકનું પણ વાવેતર કરવું હોવાથી અમારે ખેતર સાફ કરવા માટે પાક સળગાવવા સિવાય બીજો કોઈ ઉપાય જ નથી.