ગોંડલઃ કોરોના મહામારીના પગલે જ્યારે દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યુ છે, ત્યારે દરેક લોકો પોતાના ઘરે રહીને દૂર રહેતા બીજા પરિવારજનો સાથે ટેકનોલોજીના માધ્યમથી જોડાયા છે. આવો જ એક અલગ કિસ્સો સામે આવ્યો છે ગોંડલમાં. જ્યાં ગોકુલધામ સોસાયટીમાં રહેતા રવીન્દ્રભાઈ સરવૈયા તથા સેજલબેન સરવૈયાના ઘેર પુત્રનો જન્મ થતા લોકડાઉનમાં ઓનલાઈન વીડિયો કોલિંગ દ્વારા પુત્રના ફૈયબાએ બાળકનું નામકરણ કર્યું હતું.
ગોકુલધામ સોસાયટીમાં રહેતા રવીન્દ્રભાઈ સરવૈયા તથા સેજલબેન સરવૈયાના ઘેર પુત્રનો જન્મ થયો, ત્યારે લોકડાઉનના નિયમોનું પાલન થાય એ હેતુથી પોતાના પુત્રની છઠ્ઠી ટેકનોલોજીના સમયમાં ઓનલાઈન વીડિયો કોંલિંગ દ્વારા કરી હતી.
વીડિયો કોલિંગ દ્વારા પુત્રના ફૈયબા ઓનલાઈન રહીને પુત્રનું નામ દેવાંશ પાડ્યું હતું. પુત્રના માતા ગોંડલના મોટા ઉમવાડા અને પિતા લુણીવાવ ખાતે પ્રા. શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે તેમજ બંને દ્વારા પુત્રના હરખની વધામણીમાં અંદાજે 5000/- જેટલી રકમ મુખ્યમંત્રી રાહત ફંડમાં કોરોના સામેની લડતમાં આપવાનું નક્કી કર્યુ છે. આ સાથે પુત્રના દાદા દિનેશભાઇ તેમજ દાદી હંસાબેન દ્વારા અને પરિવાર દ્વારા આ નિર્ણયને વધાવી લેવામાં આવ્યો હતો. તેમજ લોકોને ઘરે જ રહી કોરોના સામે લડત આપવા સહયોગનો સંદેશ આપવામાં આવ્યો.