રાજકોટઃ વર્તમાન સમયમાં કોરોનાની મહામારીને લઈને સમગ્ર દેશમાં 21 દિવસનું લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા 21 દિવસના બંધ દરમિયાન ગરીબો અને જરૂરિયાત મંદ લોકોને નિઃશુલ્ક રાશન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેની પ્રક્રિયા હાલ શરૂ છે, પરંતુ ઘણાં જરૂરિયાતમંદ લોકોને આ નિઃશુલ્ક રાશનનો લાભ નથી મળી રહ્યો. જેને લઈને રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનિલ રાજ્યગુરુ અને મનપાના વિપક્ષી નેતા વશરામ સાગઠિયા દ્વારા રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણાંનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બન્ને દિગગજ નેતાઓ ધરણાં સ્થળે પહોંચે તે પહેલા જ રાજકોટ પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. ઇન્દ્રનિલ રાજ્યગુરૂની તેના ઘરની બહાર નીકળતા જ યુનિવર્સિટી રોડ પર અટકાયત કરવામાં આવી હતી. જ્યારે વશરામ સાગઠિયાની ચુનારવાડ ચોક નજીકથી ધરપકડ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, પોલીસ દ્વારા પણ અગમચેતીના ભાગરૂપે ચુસ્ત પોલોસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.