- દિવાળી પર્વ બાદ કોરોના પોઝિટિવ કેસમાં રાફડો ફાટી નીકળ્યો
- રાજકોટમાં કોરોના સંક્રમણ રોકવા 5 હજાર વધુ લોકોનું સ્કેનિંગ કરાશે
- કોરોના રોકવા સુપર સ્પ્રેડર શોધવા જરૂરી - ડૉ. રાઠોડ
રાજકોટ: ગુજરાતમાં દિવાળી પર્વ બાદ કોરોના પોઝિટિવ કેસમાં રાફડો ફાટી નીકળ્યો છે. ત્યારે રાજ્યના મુખ્ય 4 શહેરોમાં રાત્રિ કરફ્યૂ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ શહેરમાં રાત્રે 9 કલાકથી સવારના 6 કલાક સુધી કરફ્યૂ લાદવામાં આવ્યું છે. જેને લઇને રાજકોટમાં કોરોના સંક્રમણ કેવી રીતે ફેલાયું અને હાલ કયા પ્રકારની કાર્યવાહી સંક્રમણને રોકવા માટે થઇ રહી છે. આ તમામ મુદ્દાઓને લઈને રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી ડૉ. પંકજ રાઠોડ સાથે ETV ભારત દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી.
દિવાળી દરમિયાન જ્યાં લોકોની ભીડ એકઠી થઈ ત્યાં પોઝિટિવ કેસ વધુ
રાજકોટમાં દિવાળી દરમિયાન શહેરના મુખ્ય બજાર એવા ગુંદાવાડી, ધર્મેન્દ્ર રોડ, સોની બજાર, પેલેસ રોડ સહિતના વિસ્તારોમાં મોટા ભાગે લોકોની ખરીદી માટે પડાપડી જોવા મળી હતી. તેમજ લોકોએ પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યું ન હતું. આ વિસ્તારમાં વસ્તી ગીચતાને કારણે કોરોના સંક્રમણ આ વિસ્તારમાં ફેલાયું છે, એટલે હાલ રાજકોટના આ વિસ્તારોમાં કોરોનાના સૌથી વધુ પોઝિટિવ કેસ જોવા મળી રહ્યા છે. જ્યારે દિવાળી દરમિયાન પણ કેટલાક લોકોએ એકબીજાના ઘરે ગયા હતા અને કોરોના ગાઇડલાઈનનું પાલન કર્યું નથી. જેને લઈને રાજકોટમાં કોરોના સંક્રમણ વધ્યું હતું.
કોરોના સંક્રમણ રોકવા 5 હજારથી વધુ લોકોનું કરશે સ્કેનિંગ
શહેરમાં કોરોના સંક્રમણ રોકવા માટે આરોગ્ય વિભાગની ટીમ સક્રિય થઇ છે. જેને લઈને દરરોજ અલગ-અલગ વિસ્તારમાં હેલ્થ કેમ્પ યોજીને કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ત્યારે સૌથી પહેલા શાકભાજીવાળા તેમજ ફેરિયાઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ બુધવારે ઓનલાઈન ફૂડની ડિલવરી કરતી અલગ અલગ કંપનીઓના ડિલવરી મેન્સના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે જ ગુરૂવારે રાજકોટના માર્કેટિંગ યાર્ડ ખાતે પણ હેલ્થ કેમ્પ કરીને ત્યાં પણ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. એટલે કે આમ અંદાજિત એક અઠવાડિયામાં શહેરના 5થી હજાર લોકોના કોરોના ટેસ્ટ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવશે.
કોરોના રોકવા સુપર સ્પ્રેડર શોધવા જરૂરી - ડૉ. રાઠોડ
ETV ભારત સાથેની વિશેષ વાતચીતમાં ડૉ. પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, રાજકોટમાં કોરોના સંક્રમણ રોકવા માટે સૌપ્રથમ શહેરમાં ફરી રહેલા સુપર સ્પ્રેડર શોધવા ખૂબ જ જરૂરી છે, એટલે કે જો સુપર સ્પ્રેડર મળી જાય તો તેમને સમયસર સારવાર મળી જાય છે, તો તેમના દ્વારા અન્ય લોકોમાં પણ કોરોના ફેલાઈ શકતો નથી. જેના માટે મનપાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હાલ અલગ-અલગ વિસ્તારમાં ફરતા સુપર સ્પ્રેડરના સૌથી પહેલા કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. રાજકોટમાં અગાઉ કરતા હાલ પરિસ્થિતિ કાબુમાં હોવાનું પણ ડૉ. રાઠોડે જણાવ્યું હતું.