ગોંડલના રામજી મંદિરે પૂજ્ય હરિચરણદાસજી મહારાજના સાનિધ્યમાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની શ્રીમદ્ ભાગવત સપ્તાહના પૂર્ણાહુતિ દિવસે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ હાજરી આપી હતી.CMએ શ્રીમદ્ ભાગવતને નમન કરી જણાવ્યું હતું કે, ભાગવતના સ્મરણથી અનેક પાપ ધોવાય જાય છે. ભાગવત લોકોને સત્ય તરફ વાળે છે, પૂજ્ય હરિચરણદાસજી મહારાજ દ્વારા ગુરુ રણછોડદાસજી મહારાજના આશીર્વાદથી પ્રભુ સેવાની સાથે દરિદ્રનારાયણની સેવા કરવામાં આવી રહી છે. આવી સેવા થકી ગુજરાત ઉજળું છે.
CMએ કહ્યું કે,100 બેડની હોસ્પિટલ 150 બેડની થઇ રહી છે, પરંતુ 100 નહીં 500 બેડની હોસ્પિટલ બનાવો જેથી કરીને મેડિકલ કોલેજ પણ થઈ જશે. રાજ્ય સરકાર મેડીકલ પોલીસીને ધ્યાનમાં રાખી જમીન પણ આપશે જેથી કરી વધુ સારા ડોક્ટરોની સગવડતા મળશે. મેડિકલ કોલેજ થાય તે માટે હિંમત કરો પૈસાની ચિંતા નથી, પૂર્તી સવલતો આપવામાં આવશે. વીસ વર્ષ પહેલાં ગુજરાતમાં 900 મેડિકલ સીટ હતી ત્રણ વર્ષમાં તેમાં જંપ લાગ્યો છે. મેડિકલને 5500 સીટ ગુજરાતમાં ઉપલબ્ધ થવા પામી છે. જો મેડિકલ કોલેજ ઉભી થઈ જાય તો વિદ્યાર્થીઓને શહેર છોડી બીજા પ્રદેશ કે, વિદેશ ભણવા જવાની જરૂર નહીં પડે અને છેવાડાના માનવીને પણ મેડિકલ સુવિધા મળતી થઈ જશે. શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલમાં નિ:શુલ્ક ઓપરેશન કરી આપવાનું કાર્ય થઈ રહ્યું છે. આવા કાર્યથી સિવિલ હોસ્પિટલમાં ભારણ ઘટી રહ્યું છે. રાજ્ય સરકાર હોસ્પિટલના રીપેરીંગ ખર્ચમાં ગ્રાન્ટ આપવા તૈયાર છે. તાજેતરમાં જ ચાપરડા ખાતે મુકતાનંદ બાપુ દ્વારા તૈયાર કરાયેલા હોસ્પિટલ તેમજ ધરમપુર ખાતે રાકેશભાઈ દ્વારા તૈયાર કરાયેલા હોસ્પિટલને રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ આપવામાં આવી છે. ગોંડલ શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલને પણ એક્સપેન્સની ચિંતા હોય તો રાજ્ય સરકાર ગ્રાન્ટ આપશે અને નવી હોસ્પિટલને આધુનિક બનાવો રાજ્ય સરકાર તમામ સુવિધાઓ આપશે.
ગોંડલ શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલના નવા બિલ્ડિંગ માટે કવેસ્ટ ફાઉન્ડેશન મુંબઈના અજયભાઈ શેઠ દ્વારા રૂપિયા એક કરોડનો ચેક તેમજ આફ્રિકાના ચેતનભાઇ જગ દ્વારા રૂપિયા એક કરોડનો ચેક મુખ્યપ્રધાન અને ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પુજારાની હાજરીમાં હરિચરણદાસજી મહારાજના ચરણોમાં અર્પણ કરવામાં આવ્યો હતો. આ સાથે જ બીનાબેન અજયભાઈ શેઠ દ્વારા મહાસ્વામી વિકલાંગ સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. આ નિમિત્તે સાંસદ રમેશભાઈ ધડુક, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, ગોંડલ યુવરાજ હિમાંશુસિંહ જાડેજા, ગોંડલ નગરપાલિકાના પ્રમુખ અશોકભાઇ પીપળીયા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.