- ખાદ્યતેલના ભાવ વધારાની અસર જલેબી ફાફડાના ભાવ પર જોવા મળી
- ભાવમાં કિલ્લા દિઠ રૂપિયા 100નો વધારો કરાયો
- ભાવ વધારાના કારણે ગ્રાહકોમાં ઉત્સાહ નથી જોવા મળી રહ્યો
રાજકોટ : દેશમાં દશેરાનો(Dussehra 2021)તહેવાર લોકો ઉજવી રહ્યા છે. ત્યારે દશેરા દરમિયાન મુખ્યત્વે લોકો જલેબી અને ફાફડા આરોગતા હોય છે. ત્યારે આ વર્ષે સતત પેટ્રોલ ડીઝલ અને ખાદ્યતેલના ભાવ વધવાના કારણે તેની સીધી અસર જલેબી ફાફડાના ભાવ પર જોવા મળી રહી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે જલેબી ફાફડાના ભાવમાં રૂપિયા 100નો વધારો જોવા મળ્યો છે. છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારીના કારણે દશેરા સહિતના તહેવારોમાં જોઈએ એવી ઘરાકી પણ જોવા મળી નથી. એવામાં ચાલુ વર્ષે કોરોનાના કેસ ઓછા હોવાના કારણે વેપારીઓ થોડી આશા લઈને બેઠા છે.
જલેબી- ફફડામાં કિલોએ રૂપિયા 100નો વધારો
ચાલુ વર્ષે ખાદ્યતેલના ભાવમાં સતત વધારો જોવા મળ્યો છે. જેને લઇને ખાદ્યતેલમાં બનતી વસ્તુઓ પર આ તેના ભાવની સીધી અસર વર્તાઈ રહી છે. હાલ જલેબીના 1 કિલોના 400 રૂપિયા ભાવ છે. જ્યારે સામે ફાફડામાં પણ એક કિલોના 400 રૂપિયા સુધીના ભાવ જોવા મળી રહ્યા છે. ગત વર્ષે એક કિલો જલેબીના 300 રૂપિયા ભાવ હતો અને ફાફડા પણ કિલોના 300 રૂપિયા હતા. જેમાં સીધો જ રૂપિયા 100નો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે ખાદ્યતેલના ભાવ વધતાં હાલ દશેરામાં ગાંઠિયા અને ફાફડા સહિતની ખાદ્યતેલમાં બનતી વસ્તુઓના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
વેપારીઓની ચાલુ વર્ષે કોઈ એડવાન્સ તૈયારી નહિ
રાજકોટના લોધાવાડ ચોકમાં છેલ્લા 35 વર્ષથી જોકર નામની ફાફડા જલેબીની દુકાન ચલાવતા રસિકભાઇએ ETV Bharatને જણાવ્યું હતું કે, દર વર્ષે અમે દશેરાના લઈને એડવાન્સમાં ફાફડા જલેબી બનાવતા હોઈએ છીએ, પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારી હોવાના કારણે અમે આ વર્ષે કોઈ અગાઉનું આયોજન કર્યું નથી. ચાલુ વર્ષે ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. દર વર્ષે તહેવારની સીઝનમાં તેમની દુકાનેથી અંદાજીત 1 હજાર કરતાં વધુ લોકો ફાફડા જલેબી લઈને આરોગતા હોય છે. ત્યારે આ વર્ષે કોરોનામાં થોડી છૂટછાટ છે, પરંતુ ભાવ વધારાના કારણે ગ્રાહકોમાં પણ જોઈએ એવો ઉત્સાહ નથી જોવા મળી રહ્યો.
આ પણ વાંચો : રાજ્યમાં રાવણ દહનને લઇને મોટો નિર્ણય, 400 લોકોની મર્યાદામાં યોજી શકાશે કાર્યક્રમ
આ પણ વાંચો : Dussera Muhurt: દશેરા એટલે દેવી દુર્ગા દ્વારા અશુભતાના નાશનો દિવસ, શસ્ત્રપૂજા સહિતના શુભ મુહૂર્તો જાણો