- શિક્ષણ પ્રધાન રાજકોટ જિલ્લાના પ્રવાસે
- જિલ્લામાં કોંગ્રેસના કાર્યકર્તાઓને ભાજપનો ખેસ પહેરાવ્યો
- સુલતાનપુરના પૂર્વ સરપંચ કાકુભાઇ વાછાણીએ ભાજપનો ખેસ ધારણ કર્યો
રાજકોટ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી છે. ત્યારે રાજકોટ જિલ્લામાં અનેક તાલુકામાં કોંગ્રેસમાં ભંગાણ જોવા મળ્યું છે. ત્યારે ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામના પૂર્વ સરપંચ કાકુભાઈ વાછાણી ભાજપમાં જોડાયા હતા. શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે ભાજપના કાર્યકર્તાઓની બેઠક બોલાવવામાં આવી હતી અને આ બેઠકમાં ભાજપના કાર્યકર્તાઓને પેજ પ્રમુખ અંગેનું જ્ઞાન પીરસવામાં આવ્યું હતું.
તાલુકા મથકે પેજ પ્રમુખની ગોઠવણી ચાલી રહી છે : શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
ગત પેટા ચૂંટણીમાં 8 બેઠકો કોંગ્રેસની હોવા છતાં પણ તેના પર ભાજપનો વિજય થતાં ભાજપના કાર્યકર્તાઓમાં ખુબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જે આગામી સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા પંચાયતમાં ચૂંટણીઓ યોજાવવામાં આવવાની છે. જેમાં ભાજપ કામ, નામ અને આયોજનથી જીતશે, અઘરી લાગતી બેઠકો પર પેજ પ્રમુખના આયોજનથી જીતી શકાશે, તેવો દ્રઢ નિર્ધાર છે. તાલુકા મથકે પેજ પ્રમુખની ગોઠવણી ચાલી રહી હોવાથી આ સંગઠન શાસ્ત્રની નવી પદ્ધતિ છે, તેમ શિક્ષણ પ્રધાને જણાવ્યું હતું.
બેઠકમાં કોણ કોણ રહ્યું હાજર?
આ કાર્યક્રમમાં શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, નાગદાનભાઈ ચાવડા, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરિયા, માર્કેટીંગ યાર્ડના ચેરમેન ગોપાલભાઈ શીંગાળા, ગોંડલ શહેર અને તાલુકા ભાજપના પ્રમુખ સહિતના મહિલા આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.