રાજકોટ : રાજકોટ અમદાવાદ હાઇવે પર આવેલા માલિયાસણ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા આસપાસનું વાતાવરણ હૈયાફાટ રૂદનથી ગુંજી ઉઠ્યું હતું. વહેલી સવારે અમદાવાદ રાજકોટ હાઈવે પર બે ટ્રક અને બે કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાને પગલે કુવાડવા પોલીસે સ્થળ પર પહોંચીને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. આ અગાઉ પણ રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર ઘણા અકસ્માત સર્જાય ચૂક્યા છે.
ગોઝારો અકસ્માત : સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો આજે વહેલી સવારે રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર આવેલા માલિયાસણ નજીક એક રેતી ભરેલા ટ્રક સાથે બે કાર અચાનક અથડાઈ હતી. ત્યારબાદ એક ટ્રક અકસ્માતગ્રસ્ત કાર સાથે અથડાયો હતો. આ જીવલેણ અકસ્માત થતા કારમાં સવાર બે લોકોના સૌ પ્રથમ ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે બીજા ત્રણ લોકો અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયા હતા.
4 લોકોના કરૂણ મોત : ઈજાગ્રસ્ત લોકોને વધુ સારવાર મળે તે પહેલા જ બીજા બે લોકોના મોત થયા હતા. ત્યારે આ ઘટનામાં કુલ 4 લોકોના મોત થતા હાહાકાર મચી ગયો હતો. જ્યારે એક વ્યક્તિ ગંભીર રૂપે ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ છે. આ ઘટનાને પગલે હાઈવે ઉપર ટ્રાફિકજામ સર્જાયો હતો. આ અંગે માહિતી મળતા જ કુવાડવા પોલીસ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી હતી અને ટ્રાફિક ક્લિયર કરવાની કામગીરી હાથ ધરી હતી.
પોલીસ કાર્યવાહી : પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ-રાજકોટ હાઈવે પર માલિયાસણ નજીક આ અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક વળાંક લઈ રહ્યો હતો અને અચાનક એક બાદ એક એમ બે કાર પૂરઝડપે આ ટ્રક સાથે અથડાઈ હતી. ત્યારબાદ વધુ એક ટ્રક પણ આ કાર સાથે અથડાયો હતો. જેમાં ઘટનાસ્થળે જ બે લોકોના મોત થયા હતા. જ્યારે વધુ ત્રણ લોકોને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જેમાં સારવાર દરમિયાન બે લોકોના મોત થયા હતા. પોલીસ દ્વારા મૃતકની ઓળખ કરવામાં આવી રહી છે.
જોખમી હાઈવે : સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં શિયાળા દરમિયાન હાઇવે ઉપર વહેલી સવારે મોટા પ્રમાણમાં ધુમ્મસ અને ઝાકળ પણ હોય છે. એવામાં ધુમ્મસના કારણે પણ આ અકસ્માત સર્જાય છે. ત્યારે આજે પણ વહેલી સવારે જ હાઇવે પર આ અકસ્માત સર્જાયો હતો. તેમાં ચાર લોકોના મોત થયા છે.