રાજકોટ : આજે રવિવારે મોટી દુર્ઘટના સર્જાય છે. શહેરના સર્વેશ્વર ચોકમાં આવેલા ગણેશ પંડાલ નજીક એક બિલ્ડીંગની બાજુમાં આવેલ વોકળાનો સ્લેબ ધારાશાયી થતા 10 જેટલા લોકોને ઇજા થઈ છે. જ્યારે એક વૃદ્ધ મહિલાનું મોત થયાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે. સ્લેબ તૂટી પડવાની ઘટનાને પગલે ઉપર ઉભા રહેલા અંદાજિત 10થી વધુ લોકો ભોયરા અંદર નીચે પડ્યા હતા. જેને તાત્કાલિક ફાયર વિભાગની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા અને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે સર્વેશ્વર ચોકમાં લોકોના ટોળેટોળા એકઠા થયા હતા.
મહિલાનું મોત નિપજ્યું : સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો, આજે રવિવારના દિવસે શહેરના સર્વેશ્વર ચોકમાં આવેલા ગણેશપંડાલ ખાતે મોટી સંખ્યામાં લોકો દર્શન માટે ઉમટી પડ્યા હતા. તેવામાં વર્ષો જૂના બિલ્ડીંગની બાજુમાં વોકળાનું સ્લેબ અચાનક તૂટી પડ્યું હતું. જેના કારણે સ્લેબ ઉપર ઉભેલા લોકો અચાનક ભોયરામાં નીચે પડ્યા હતા. જ્યારે દુર્ઘટનાની વાત સામે આવ્યા બાદ મનપાના ફાયર વિભાગના ઓફિસર આઇ.વી. ખેરે જણાવ્યું હતું કે, અમે ભોયરામાંથી અંદાજિત 7 જેટલા લોકોને બહાર કાઢ્યા છે અને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ સાથે જ મનપાના પદાધિકારીઓ ભાજપના ધારાસભ્યો અને સાંસદ સભ્યો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જોકે આ ઘટનામાં એક વૃદ્ધ મહિલાનું મોત થયાનું હજુ સુધી સામે આવ્યું છે.
જવાબદારો સામે કાર્યવાહિ કરવામાં આવશે : મનપા દ્વારા પણ ઘટનાને પગલે તપાસના આદેશ આપ્યા છે. એવામાં આ વોકળાનો સ્લેબ વર્ષો જૂનો માનવામાં આવે છે. ત્યારે અચાનક ધરાશાયી થવાની ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી છે. ત્યારે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, 7 જેટલા લોકો હાલ હોસ્પિટલમાં દાખલ છે. જેમને સારવાર આપવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે આજે રવિવાર હોય એવામાં સર્વેશ્વર ચોકમાં ગણેશ પંડાલના દર્શન સાથે લોકો આ વિસ્તારમાં નાસ્તો કરવા માટે મોટી સંખ્યામાં આવતા હોય છે. ત્યારે આ પ્રકારની ઘટના સર્જાઈ હતી. આ મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન સર્જાય તે માટે ચોક્કસની તકેદારી રાખવામાં આવશે.