રાજકોટ: પ્રતિ વર્ષ અનેક શ્રદ્ધાળુઓ કાશ્મીરમાં બિરાજમાન બર્ફીલા બાબા અમરનાથના દર્શને જતા હોય છે. ત્યારે આ દુર્ગમ યાત્રામાં યાત્રિકો બીમાર પડે તો તેમની સારવાર માટે દેશભરના તબીબોને કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર સેવા માટે મોકલતી હોય છે. ત્યારે 2023 માં 1 લી જુલાઈથી શરૂ થનારી આ યાત્રામાં રાજકોટ જિલ્લાના ચાર તબીબો 18 દિવસ (તા.27 જૂનથી તા.15 જુલાઈ) ફરજ બજાવશે.
નર્સ સ્ટાફનો સમાવેશ: આ ફરજમાં રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના કમળાપુર પી.એચ.સી.ના મેડિકલ ઓફિસર ડો.ધવલ ગોસાઈ, રાજકોટ તાલુકાના બેડલા પી.એચ.સી. ના ડો.રીંકલ વિરડીયા, ગઢકા પી.એચ.સી.ના ડો.હાર્દિક પટેલ, લોધિકા તાલુકાના પારડી પી.એચ.સી.ના ડૉ. જ્યોતિ પટેલ તેમજ કમળાપુર પી.એચ.સી.ના લેબ ટેકનિશયન શ્રીમતી મમતા જોશી, મહિપતસિંહ સિસોદીયા, કુવાડવા સી.એચ.સી. નર્સ સ્ટાફનો સમાવેશ થાય છે.
દર્દી નારાયણની સેવા માટે ઉપલબ્ધ: જે રીતે હિમાલયમાં 13 હજાર ફૂટની ઉંચાઈએ દુર્ગમ પહાડ અને હાડ થીજવતી ઠંડીમાં મહાદેવના સાનિધ્યમાં શ્રદ્ધાળુઓની સેવા કરવાની સતત બીજા વર્ષે પણ જેમને તક મળી છે. તેવા જસદણ તાલુકાના કમળાપુરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ડો.ધવલ ગોસાઈ કહે છે કે, પહેલગામથી લઈ બાલતાલ સુધી 2-2 કિ.મી.ના અંતરે 45 જેટલા મેડિકલ કેમ્પ ઉભા કરાય છે. તબીબી સ્ટાફના રહેવા માટે પણ ટેન્ટમાં જ વ્યવસ્થા હોય છે. કાશ્મીરમાં કડકડતી ઠંડીમાં યાત્રિકોને સારવાર માટે બેઝ કેમ્પથી લઈને બાલતાલ, ચંદનવાડી વગેરે જગ્યાએ તબીબોની ફોજ દર્દી નારાયણની સેવા માટે ઉપલબ્ધ હોય છે.
"મોટા ભાગના દર્શનાથીઓને અમરનાથ દાદાની ગુફા સુધી પહોંચવામાં પહેલગામ રૂટથી ઓછામાં ઓછા બે થી ત્રણ દિવસ તેમજ બાલતાલ રૂટથી પહોંચવામાં એક દિવસ થાય છે. ત્યારે મોટાભાગના લોકોને સામાન્ય થાકથી માંડી શ્વાસ ચડવાના તથા ઓક્સિજન લેવલ ઘટવાના બનાવો બને છે. તેમજ ડાયાબિટીસના દર્દીઓનું ગ્લુકોઝ લેવલ ઘટી જતું હોય છે. ત્યારે આવા દર્દીઓ આ મેડિકલ કેમ્પમાં પ્રાથમિક ઈમર્જન્સી સારવાર મેળવી આગળની યાત્રા કરે છે. ને બર્ફીલા બાબાના આશીર્વાદ મેળવે છે"-- ધવલ ગોસાઈ (મેડીકલ કેમ્પના ડોક્ટર)
જમવાની તકલીફો: અહીંયા ગુજરાતી ડૉક્ટર તેમજ સ્ટાફનો મુખ્ય આશય ત્યાંના દર્શનાર્થીઓની સેવા કરી મહાદેવની નજીક રહેવાનો છે ત્યાર3 આ હેતુને સિદ્ધ કરવા તેઓ ત્યાં રહેવા તેમજ જમવાની તકલીફો વચ્ચે પણ પોતાની ફરજ ને પ્રાધાન્ય આપી સેવા કરી રહ્યા છે તેવી પણ વિગતો સામે આવી રહી છે.