રાજકોટ: રાજકોટ વાસીઓ માટે વધુ એક ખુશીના સમાચાર છે. જેમાં રાજકોટથી ઇન્દોર અને રાજકોટથી ઉદયપુર જવા માટે ડાયરેક્ટ ફ્લાઈટ મળશે. આ ફ્લાઈટ 1 જુલાઈની આસપાસ શરૂ થાય તેવી શક્યતાઓ છે. જ્યારે રાજકોટએ સૌરાષ્ટ્રનું આર્થિક પાટનગર છે. એવામાં રાજકોટમાંથી હવે ઈન્દોર અને ઉદયપુર જવા માટેની ડાયરેક્ટ ફ્લાઈટ મળશે. જેના કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના ઉદ્યોગકારોને તેનો સીધો જ ફાયદો થશે.
પ્રશાસન દ્વારા તૈયારીઓ: આ સાથે જ રાજકોટના હીરાસર ખાતે ગ્રીનફિલ્ડ એરપોર્ટનું નિર્માણ થઈ રહ્યું છે. આ એરપોર્ટ આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ બનાવવામાં આવી રહ્યું છે. એવામાં આગામી દિવસોમાં આ એરપોર્ટનું લોકાર્પણ થશે તે પહેલાં હવે રાજકોટમાં ધીમે ધીમે અલગ અલગ મેટ્રો શહેરો માટેની ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ થઈ રહી છે. તારીખ 1 જુલાઈથી શરૂ થશે ફ્લાઈટરાજકોટ એરપોર્ટ તંત્ર પાસેથી મળતી વિગતો મુજબ રાજકોટથી ઇન્દોર અને રાજકોટથી ઉદયપુર જવા માટેની ફ્લાઈટ આગામી તારીખ 1 જુલાઈથી શરૂ થશે. જ્યારે આ ફ્લાઈટ માટે રાજકોટ એરપોર્ટ પ્રશાસન દ્વારા પણ તૈયારીઓ કરવામાં આવી છે.
આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નિર્માણ: જેના સમયપત્રની વાત કરવામાં આવે તો રાજકોટથી ઉદયપુર સવારે 8.40 ટેકઓફ થઈ 9.35 કલાકે ઉદયપુર લેન્ડ થશે. ત્યારબાદ પરત ઉદયપુરથી સવારે 10.15 ટેકઓફ થઈ 11.35 કલાકે રાજકોટ આવી પહોંચશે. બીજી ફ્લાઈટ રાજકોટ-ઈન્દોર ફલાઈટ સવારે 11.55 કલાકે ટેકઓફ થઈ 14.00 કલાકે ઈન્દોર પહોંચશે અને સવારે 6.30 કલાકે ઈન્દોરથી ટેકઓફ થઈ સવારે 8.20 કલાકે રાજકોટ એરપોર્ટ ખાતે આવી પહોંચશે.ગ્રીન ફિલ્ડ એરપોર્ટનું થશે લોકાર્પણરાજકોટની ભાગોળે હીરાસર ગામ ખાતે ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે આ એરપોર્ટનું કામ આગામી ઓગસ્ટ મહિનામાં પૂર્ણ થાય તેવી શક્યતાઓ છે. જેમાં સૌ પ્રથમ એરપોર્ટના રન વે પર ટ્રાયલ શરૂ કરવામાં આવશે.
ઉદયપુરની ફ્લાઈટ પણ શરૂ: એવામાં રાજકોટમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટના નિર્માણ બાદ અહીંયા આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો શરૂ થાય તે પ્રકારનું આયોજન એરપોર્ટ તંત્રનું છે. જ્યારે હાલમાં રાજકોટથી મુંબઈ રાજકોટથી દિલ્હી રાજકોટથી ગોવા સહિતની ફ્લાઈટો ડાયરેક્ટ મળી રહે છે. જ્યારે આગામી દિવસોમાં રાજકોટથી ઇન્દોર અને રાજકોટથી ઉદયપુરની ફ્લાઈટ પણ શરૂ થશે. જેને લઈને તેનો સીધો ફાયદો રાજકોટ તેમજ સૌરાષ્ટ્રવાસીઓને થશે. ઉલ્લેખનીય છે કે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ સહિત ઘણા બધા ઉદ્યોગ સંગઠનોની માંગ હતી કે રાજકોટથી ઉદયપુર અને રાજકોટથી ઇન્દોરની ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ કરવામાં આવે, જેને ધ્યાનમાં રાખીને હવે ઇન્ડિગો દ્વારા આ ફ્લાઈટ શરૂ કરવામાં આવનાર છે.