રાજ્ય સરકારના કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાના હસ્તે રાણીંગપર ગામે રાણીંગપર બેડલા રોડ રૂ.3.34 કરોડના ખર્ચે બનનારા રસ્તાનું ખાતમુહૂર્ત અને રૂપિયા 1.36 કરોડના ખર્ચે ભાડલા તથા આધીયા ગામના બે માઈનોર બ્રીજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સમયે બાવળિયાએ વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારનો પણ અભિગમ છે કે, આગામી પાંચ વર્ષમાં દેશમાં દરેકને ઘેર નળ દ્વારા પીવાનું પાણી પહોંચે. રાજ્ય સરકારે પીવાના પાણી માટે ચાલુ વર્ષના બજેટમાં ગત વર્ષના બજેટ કરતાં વધુ 36 ટકા રકમ એટલે કે રુપિયા 4300 કરોડ ફાળવેલા છે. લોકોને પીવાનું પાણી નિયમિત મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.
તેમણે ગ્રામ્ય વિસ્તારમાં પાણી પુરવઠાની યોજનાઓ બનાવવા માટે બોર્ડની વાસ્મો યોજનામાં 10 ટકા લોક ફાળો ભરીને લાભ લેવા જણાવ્યું છે. જે ગામોમાં અનુસુચિત જાતિની નિયમ મુજબની વસ્તી હશે ત્યા દસ ટકા લોક ફાળો ભોગવવાનો નહીં પડે. તેમણે ખેતીનો વ્યવસાય કરતા ખેડૂત વર્ગને પૂરક અથવા સ્વતંત્ર વ્યવસાય તરીકે પશુપાલનને અપનાવવા અને પશુપાલન ખાતાની વિવિધ પ્રોત્સાહક યોજનાઓનો લાભ લેવા જણાવ્યું હતું.