રાજકોટ: જેતપુર તાલુકાના કાગવડ ગામ ખાતે આવેલા ખોડલધામ મંદિરને બે દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ખોડલધામ તરફથી કરેલી જાહેરાતમાં બિપોરજોય વાવાઝોડાને કારણે મંદિરમાં દર્શનાર્થીઓની સુરક્ષાને ધ્યાને લઇ તેમજ સરકારના નિયમ અનુસાર આગામી તારીખ 14 અને તારીખ 15 જુનના રોજ ખોડલધામ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
મીડિયામાં વિધિવત જાહેરાત: રાજ્યમાં બિપરજોય વાવાઝોડાની અસર વર્તવાની શરૂ થઈ છે. સૌરાષ્ટ્રના સમુદ્રકાંઠાના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. કાગવડ ખાતે આવેલા લેઉવા પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર સમાન ખોડલધામ મંદિરને પણ બે દિવસ બંધ રાખવાનો નિર્ણય ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવ્યો છે. વાવાઝોડાને કારણે દર્શનાર્થીઓને તકલીફ ન પડે તે માટે તારીખ 14 અને 15 જુનાના રોજ મંદિર દર્શન માટે બંધ રહેશે. ભક્તોની સલામતી માટે આ નિર્ણય લેવાયો છે. ખોડલધામ ટ્રસ્ટ દ્વારા નિર્ણયની સોશિયલ મીડિયામાં વિધિવત જાહેરાત કરાઈ છે.
સુરક્ષા અને સલામતી: જે રીતે હાલ હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાની અને ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. શ્રધ્ધાળુઓ અને દર્શનાર્થીઓની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખી નિર્ણય ખોડલધામ મંદિર દ્વારા દર્શનાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં લઇ મંદિર પરિસરને તારીખ 14 અને તારીખ 15 જૂનના રોજ દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવાનો નિર્ણય કરાયો છે. ધાર્મિક સ્થળોના મુલાકાત અર્થે આવતા દર્શનાર્થીઓ અને શ્રદ્ધાળુઓની સંખ્યા પણ ઘટી ગઈ છે. ગુજરાત રાજ્યના તમામ તીર્થસ્થાનમાં ભાવિકોનો જે ધસારો જોવા મળતો હતો એ અત્યારે દેખાતો નથી.
ગિરનાર રોપવે બંધ: સમગ્ર શહેરની સાથે ગિરનાર પર્વત પર પુષ્કળ પ્રમાણમાં પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે. જેને કારણે ગિરનાર રોપવેના સંચાલકો દ્વારા તમામ પ્રકારના પ્રવાસીઓ માટે રોપવે સુવિધા બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પવનનું પ્રમાણ ગિરનારની પર્વત પર સવિશેષ પ્રમાણમાં જોવા મળે છે. જેને કારણે ઉડનખટોલા ગિરનાર રોપવે તમામ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યો છે. હાલ હવામાન વિભાગે આગાહી આપી તે અનુસાર વાવાઝોડું સક્રિય થયું છે જેની અસર જોવા મળશે.