રાજકોટ: સંભવિત બિપરજોય વાવાઝોડાને લઈને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના અલગ-અલગ પ્રધાનોને વિવિધ જિલ્લાઓની જવાબદારી સોંપી છે. ત્યારે રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી તેમજ કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ અને કનુ દેસાઈ રાજકોટ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા. રાજકોટ પહોંચ્યા બાદ હર્ષ સંઘવી રોડ મારફતે દ્વારકા તરફ રવાના થયા હતા.
સંભવિત બિપરજોય વાવાઝોડા સામે સાવચેતીની તમામ પ્રકારની તૈયારીઓ તંત્ર દ્વારા પૂર્ણ કરી લેવામાં આવી છે. મુખ્ય પ્રધાન દ્વારા ઉચ્ચ લેવલની બેઠક પણ કરવામાં આવી છે. જેમાં મુખ્યપ્રધાને અલગ-અલગ મંત્રીઓને વિવિધ જિલ્લાઓની જવાબદારી સોંપી છે.--- હર્ષ સંઘવી (રાજ્ય ગૃહ પ્રધાન)
એક્શન મોડ ઓન: ગુજરાતના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીને દ્વારકાની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે કનુ દેસાઈને મોરબીની જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે જ રાઘવજી પટેલને રાજકોટની જવાબદારી સોંપવામાં આવી હતી છે. તમામ પ્રધાનોને સોંપાયેલ જિલ્લાઓ તરફ તેઓ રવાના થયા છે. ઉલ્લેખનીય છે કે, વહીવટી તેમજ અન્ય વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવશે. સુરક્ષા માટે તૈયારીના ભાગરૂપે કરવામાં આવેલી તમામ કામગીરી તેમજ લેવાયેલા પગલાની સમીક્ષા કરવામાં આવશે.
નાગરિકોને અપિલ: સંભવિત બિપરજોય વાવાઝોડાના પગલે નાગરિકોને તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. નાગરિકોને અપિલ કરી છે કે, અજાણ્યા પાણીમાંથી પસાર થવું નહીં, ઇજા પામેલાઓને પ્રાથમિક સારવાર આપી દવાખાને ખસેડવા, કાટમાળમાં ફસાયેલાઓનો તાત્કાલિક બચાવ કરવો, ખુલ્લા - છૂટા પડેલા વાયરોને અડકવું નહીં, ભયજનક અતિ નુકશાન પામેલ મકાનોને તાત્કાલિક ઉતારી લેવા, ક્લોરીનયુક્ત પીવાના પાણીનો ઉપયોગ કરવો તથા ગંદા ભરાયેલા પાણીમાં દવાનો છંટકાવ કરવો વગેરે બાબતોનું ધ્યાન રાખવા ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ દ્વારા નાગરિકોને અનુરોધ કરાયો છે.