રાજકોટ: રાજ્યમાં આગામી 14 અને 15 તારીખના રોજ દરિયા કિનારાના વિસ્તારોમાં બીપરજોય નામનું વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે ટકરાશે. આ માટે રાજ્ય સરકાર દ્વારા અગમચેતીના ભાગરૂપે તૈયારીઓ કરવામાં આવી છે. જેના કારણે સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ એવી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે.
ઇમરજન્સી વોર્ડ: આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ ડો.આર.એસ ત્રિવેદીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાત ઉપર હાલમાં જે વાવાઝોડાનું સંકટ છે તેને ધ્યાનમાં રાખીને રાજકોટ પીડીયુ હોસ્પિટલ સંપૂર્ણ રીતે તૈયાર છે. જેમાં સિવિલ હોસ્પિટલ ખાતે એક ઇમર્જન્સી વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં એક નોડલ ઓફિસર, એક સબ નોડલ ઓફિસર અને આરએમઓને આ વોર્ડની જવાબદારી સોંપવામાં આવી છે. આ પ્રકારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે કંટ્રોલરૂમ પણ શરૂ કરવામાં આવશે છે. જ્યાં સુધી આ વાવાઝોડાની પરિસ્થિતિ કંટ્રોલમાં નહિ આવે ત્યાં સુધી સિવિલ હોસ્પિટલમાં કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે.
'આગામી દિવસોમાં વધુ જરૂર જણાય તો પેરેલલ ઈમરજન્સી વોર્ડ પણ શરૂ કરવામાં આવશે. તેના માટેની તૈયારીઓ પણ રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા કરવામાં આવી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્રના વર્ગ 1થી વર્ગ 4ના કર્મચારીઓને પણ આ અંગેની સૂચનાઓ આપવામાં આવી છે અને ઇમરજન્સી વોર્ડ માટેનો સ્ટાફ પણ ફાળવી દેવામાં આવ્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના વર્ગ 1 થી વર્ગ 4ના તમામ કર્મચારીઓની રજાઓ કેન્સલ કરવામાં આવી છે. તેમજ જે પણ કર્મચારી રાજકોટની બહાર છે તે લોકોને તાત્કાલિક રાજકોટ ખાતે આવી જવા માટે જણાવવામાં આવ્યું છે.' -સિવિલ સુપ્રિટેન્ડેન્ટ
40 જેટલા એસટી બસોના રૂટ કેન્સલ: તારીખ 14 અને 15ના રોજ રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા શાળા કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે. બીજી તરફ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ વેપારીઓને અપીલ કરવામાં આવી છે કે આ બે દિવસ સુધી પોતાના વેપાર ધંધાને બંધ રાખીને ઘરમાં સુરક્ષિત રહે, આ સાથે જ રાજકોટ એસટી વિભાગ દ્વારા રાજકોટથી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં જતી બસોના રૂટને ટૂંકાવામાં આવ્યા છે અને 40 જેટલ રૂટને કેન્સલ કરવામાં આવ્યા છે.