રાજકોટ પોલીસ દ્વારા શહેરના હેમુગઢવી હોલ ખાતે બુધવારે સાયબર ક્રાઇમ અને મહિલા સલામતી વિશે ભવ્ય સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં રાજકોટની અલગ-અલગ શાળાઓના વિદ્યાર્થીઓ, મહિલાઓ તેમજ સિનિયર સીટીઝન ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારમાં દેશના અલગ-અલગ તજજ્ઞો દ્વારા સાયબર ક્રાઇમ અંગેની વિશેષ માહિતોઓ આપવામાં આવી હતી.
સેમિનારમાં લોકોને જણાવાયુ કે, ઇન્ટરનેટ વર્લ્ડમાં એવા પણ હેકર કાર્યરત છે. ત્રણ મિટર દૂરથી લેવામાં આવેલી તમારી તસવીરના આધારે તમારા ફિંગર પ્રિન્ટ લઇ શકે છે. આવો કિસ્સો જર્મનીમાં બન્યો હતો. એટલે આપણે આપણી તસવીરો લેવામાં કે તેને સોશ્યલ મીડિયા પર અપલોડ કરવામાં તકેદારી રાખવી જોઇએ.
ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીના અધિક નિયામક હિતેશ સંઘવીએ કહ્યું કે, ઇવ ટિઝિંગ, છેડતી, ભૃણહત્યા, અપહરણ, જાતીય હુમલા, એસીડ ફેંકવા, દહેજ સંબંધી ગુનાઓનો ભોગ મહિલાઓ બને છે. હવે ડિઝીટલ યુગમાં મહિલાઓને પરેશાન કરવામાં આવે છે.
ફેક ID બનાવી મહિલાઓને પરેશાન કરવામાં આવે છે. વિકૃત તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી દેવામાં આવે છે. તેની સામે રાજ્ય સરકારે હવે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન શરૂ કર્યા છે. વિવિધ પદ્ધતિઓના ઉપયોગ થકી અપરાધીઓને પકડી લેવામાં આવે છે.