રાજકોટ : આગામી સમયમાં યોજાનાર લોકસભા ચૂંટણી પહેલાં જ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. ત્યારે આ સમગ્ર મામલે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી હતી. રામ મોકરિયાએ કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેર અને કોંગ્રેસ દ્વારા રામ મંદિરનું આમંત્રણ ઠુકરાવ્યા સહિતના કારણો અંગે પોતાના પ્રતિભાવો આપ્યા હતા.
દેશનો વર્ષો જૂનો પ્રશ્ન હલ થયો : સાંસદ રામ મોકરિયા
રામ મોકરિયાએ ETV BHARAT સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા જે વચન આપવામાં આવ્યું હતું જે વચન હવે પૂર્ણ થઈ રહ્યું છે. આ સાથે જ આગામી 22 જાન્યુઆરીના રોજ આપણે બધા સાથે મળીને ભગવાન રામની આરતી પણ કરવાના છીએ. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં પ્રાણ પ્રતિષ્ઠા કરશે. વિશ્વમાં જ્યાં જ્યાં હિન્દુ લોકો વસે છે તે તમામ લોકો ઉત્સવ ઉજવશે. ભગવાન રામનું કોઈપણ જાતના વિદ્ધન વગર અને ઝઘડા વિના સૌ કોઈ સાથે મળીને ભગવાન રામનું આ કાર્ય કરી રહ્યા છે તે ખૂબ જ આનંદની વાત છે.
અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેરને અભિનંદન આપું છું : સાંસદ રામ મોકરિયા
કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેરે રામ મંદિરનું સમર્થન કર્યું હતું. આ મામલે રામ મોકરીયાએ જણાવ્યું હતું કે, અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેર બંને કોંગ્રેસના નેતાઓ મારા ખૂબ નજીકના મિત્રો છે. હું તેમને અભિનંદન આપું છું કે તેમણે કરોડો લોકોની આસ્થાની સાચી વાત રજૂ કરી અને ભગવાન રામ અને મંદિર માટે જે અભિપ્રાય આપ્યો છે તે ખૂબ જ આનંદની વાત છે. દરેક રાજકીય પક્ષની વિચારધારા અલગ અલગ હોય છે, પરંતુ ધર્મમાં મતમતાંતર હોય નથી.
ધર્મને રાજકારણ સાથે ન જોડવું : સાંસદ રામ મોકરિયા
રામ મંદિર દેશનો ખૂબ જ વર્ષો જૂનો પ્રશ્ન રહ્યો છે. તે સમયે રામ લલ્લા ટેન્ટમાં બિરાજતા હતા અને પોલીસ રક્ષણ રાખવામાં આવતું હતું. હવે આને બદલે ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. જે ખૂબ જ આનંદની વાત છે. આ સાથે જ ધર્મની વાતને રાજકારણ સાથે જોડી શકાય નહીં. ચૂંટણીની વાત કરવામાં આવે તો હિન્દુઓનો દેશ છે અને હિંદુઓના આરાધ્ય દેવના મંદિરનું તેમજ લોકોનું સપનું હવે સાકાર થઈ રહ્યું છે.
કોંગ્રેસને ચૂંટણીમાં થશે નુકશાન : સાંસદ રામ મોકરિયા
કોંગ્રેસ દ્વારા રામ મંદિરના આમંત્રણને ઠુકરાવવામાં આવ્યું છે, આ મામલે રામ મોકરિયાએ જણાવ્યું હતું કે, આ એક વાહિયાત વાત છે. આ મુદ્દાને ખરેખર કોઈ ઇટાલીના ચશ્મા કે ઇટાલીના મગજથી જોવાના બદલે સ્વતંત્ર પણે તેને હિન્દુ સમાજના આરાધ્ય દેવના ઉત્સવ તરીકે જોઈને આગળ વધ્યા હોય તો ખરેખર કોંગ્રેસને પણ ચૂંટણીમાં આ મુદ્દાનો ફાયદો થાય, પરંતુ કોંગ્રેસને જે બુદ્ધિ સુજી છે તેના કારણે ચૂંટણીમાં પણ તેમને નુકસાન થશે.
રાજકોટમાં રામ ઉત્સવ : ઉલ્લેખનીય છે કે, રામ મોકરીયા પરિવાર આગામી 17 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી સુધી શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરનાર છે. તેમજ અહીંયા પણ અયોધ્યા નગરીનું નિર્માણ કરી 22 જાન્યુઆરીએ રાજકોટમાં પણ ભગવાન રામને બિરાજમાન કરવામાં આવનાર છે. આ કાર્યક્રમ દરમિયાન રમેશ ઓઝા પણ વિશેષ ઉપસ્થિત રહેનાર છે. જેને લઈને હાલ રાજકોટમાં પણ ઉત્સાહનો માહોલ છવાયો છે.