રાજકોટઃ ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો કહેર રોજેરોજ વધી રહ્યો છે.ત્યારે વહીવટીતંત્ર દ્વારા ગોંડલ નગરપાલિકા સંચાલિત સાયન્સ સેન્ટર ખાતે 48 બેડની કોવિડ-19 હોસ્પિટલ ઉભી કરવામાં આવી રહી છે. આ હોસ્પિટલની જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને મુલાકાત લીધી હતી. હોસ્પિટલમાં ગોંડલના નામાંકિત ખાનગી ડૉક્ટરો જેમાં ડો.પીયૂષ સુખવાલા, ડો.વિદ્યુત ભટ્ટ, ડો.જોગી, ડો.કૌશલ ઝાલાવડીયા, ડો.વેકરિયા, ડો.પિત્રોડા, ડો.બેલડીયા સહિતના તબીબો સેવા આપવાના હોવાથી જિલ્લા કલેક્ટરે મામલતદાર,પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર, તબીબો સહિતના લોકો સાથે ચર્ચા કરી હતી.
કોવિડ-19ના કૂદકેભૂસકે વધી રહેલાં કેસોને લઇને દર્દીઓને સમયસર અને સચોટ સારવાર મળે તે જરૂરી છે. ત્યારે આગામી સપ્તાહમાં કોવિડ-19 હોસ્પિટલનો ગોંડલમાં પ્રારંભ થશે તેવી વિગતો પણ જાણવા મળી હતી.