રાજકોટઃ હાલ કોરોના વાઈરસની મહામારીના કારણે વિશ્વમાં લાખો લોકોના મૃત્યુ થયા છે, ત્યારે ભારતમાં પણ દિવસેને દિવસે કોરોના વાઈરસનો કહેર વધી રહ્યો છે. જેને લઈને કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન પણ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ગુજરાતમાં પણ કોરોનાના પોઝિટિવ દર્દીની સંખ્યા વધી રહી છે. જેને લઈને અમદાવાદની એક હોસ્પિટલ પણ કોરોના દર્દીઓની સંખ્યાને કારણે ભરાઈ ગઈ છે. એવા રાજકોટ માટે સારા સમાચાર છે.
રાજકોટની ક્રાઈસ્ટ નામની ખાનગી હોસ્પિટલ કોરોનાના દર્દીઓને નિઃશુલ્ક સારવાર આપવા માટે રાજી થઈ છે. જો કે આ હોસ્પિટલમાં સારવાર લેનાર દર્દીઓનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે પરંતુ ગુજરાતમાં આવી પ્રથમ ખાનગી હોસ્પિટલ કહી શકાય જે રાજ્ય સરકારની આ યોજના માટે રાજી થઈ છે.

રાજકોટ મનપા, કલેક્ટર, આરોગ્ય વિભાગ સાથે મળીને રાજ્ય સરકાર ની આ યોજના માટે MOU કર્યા છે. જેમાં ક્રાઈસ્ટ હોસ્પિટલના ડિરેક્ટર ફાધર જોમોન થોમનાએ જિલ્લા કલેક્ટરની હાજરીમાં આ MOU પર સહી કરી હતી. આમ કોરોનાના દર્દીનો રિપોર્ટથી માંડી તમામ સારવારનો ખર્ચ આ હોસ્પિટલમાં રાજ્ય સરકાર ભોગવશે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં અત્યાર સુધીમાં 59 જેટલા કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાંથી એક દર્દીનું કોરોનાના કારણે મોત થયું છે. એવામાં ખાનગી હોસ્પિટલ તંત્ર રાજકોટમાં આગળ આવતા રાજકોટવાસીઓ માટે સારા સમાચાર કહી શકાય છે.