રાજકોટ : શહેરના ભક્તિનગર પોલીસ મથક વિસ્તારમાં બોયકોટ ઇઝરાયલ નામના અંગ્રેજીના પોસ્ટર લગાડવામાં આવ્યા છે. જો કે રાજકોટમાં આ પ્રકારના પોસ્ટર લગાડવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. જ્યારે આ મામલે પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અમને આ ઘટનાની જાણ થતાં અમે તાત્કાલિક કાર્યવાહી કરીને ચાર ઇસમોની ધરપકડ કરી હતી. જ્યારે તેમની વધુ પૂછપરછમાં સામે આવ્યું છે કે, તેમને આ પ્રકારનું કૃત્ય સોશિયલ મીડિયામાં વિડિયો જોઈને કર્યું હતું. પરંતુ તેમને પણ ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુધ્ધ અંગેની વધુ કોઈ જાણકારી નહોતી. ભારતે દવાઓ મોકલીને પેલેસ્ટાઇનને મદદ કરી હતી. જેના કારણે તેમને ઇઝરાયલનો બોયકોટ કર્યા હોવાના પોસ્ટર લગાડ્યા હતા. હાલ આ મામલે આરોપીઓને જામીન પણ મળી ગયા છે. તેમજ આરોપીઓના કોઈ ગુન્હાહિત ઇતિહાસ પણ નથી. - મયુરધ્વજસિંહ સરવૈયા, પીઆઈ ભક્તિનગર પોલીસ મથક
પોલિસે પૂછપરછ ચાલું કરી : સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ દ્વારા ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં જંગલેશ્વર વિસ્તારમાં રહેતા સમીર બ્લોચ, સુલતાન દલુ, શાહનવાઝ વેત્રન અને સમીર અંસારી નામના ઈસમોનો સમાવેશ થાય છે. આ ઈસમો દ્વારા ક્યાં કારણોસર ઇઝરાયલ બોયકોટ અંગેના પોસ્ટર લગાવ્યા હતા. તેમજ કોના કહેવાથી આ કરવામાં આવ્યું છે. તેમજ આ પ્રકારના પોસ્ટર તેઓએ ક્યાં છપાવ્યા હતા. આ તમામ દિશામાં પોલીસ દ્વારા ઇસમોની આકરી પૂછપરછ કરવામાં આવી રહી છે. જ્યારે આ અગાઉ પણ રાજકોટની સોની બજારમાંથી બંગાળી કારીગરો અલકાયદા આતંકવાદી ગ્રુપ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું હતું અને આ મામલે રાજકોટ આખામાં હાહાકાર મચી જવા પામી છે.