રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી 25ના રોજ પેરામેડિકલ અને મેડિકલના વિદ્યાર્થીઓને પરીક્ષા યોજવામાં આવનારી છે, ત્યારે આ મામલે આજે બુધવારે મેડિકલ અને પેરામેડિકલ વિદ્યાર્થીઓ સાથે રાજકોટ NSUIના કાર્યકર્તાઓ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને રજૂઆત કરવા માટે દોડી આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓની માગ હતી કે, તેમને કોરોનાની મહામારી વચ્ચે યોજાનારી પરીક્ષા દરમિયાન તેમના આરોગ્યની ચિંતા કરવામાં આવે, કોરોનાના કહેર વચ્ચે પણ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે સહમત હતાં, પરંતુ તેમના આરોગ્યની જવાબદારી યુનિવર્સિટી દ્વારા લેવામાં આવે તેવી તેમની માગ હતી.
જો કે, આ અંગે યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને પણ ખાતરી આપવામાં આવી હતી. તેમજ આગામી યોજાનારી બેઠકમાં પરીક્ષા અગાઉ વિદ્યાર્થીઓના હેલ્થ ઇન્સ્યોરન્સ લેવા અંગેની વિચારણા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી રહી હોવાનું પણ કુલપતિએ જણાવ્યું હતું, ત્યારે આગામી દિવસોમાં કોરોના મહામારી વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓનો યુનિવર્સિટી દ્વારા હેલ્થ ઇન્સ્યોરન્સ પણ લઈ શકાય છે.