રાજકોટ : દેશમાં દિવસેને દિવસે સતત મોંઘવારી વધી રહી છે. તાજેતરમાં જ ગેસ સિલિન્ડરના ભાવમાં પણ વધારો નોંધાયો છે. જેને લઈને રાજકોટ કોંગ્રેસ દ્વારા મોંઘવારી મામલે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. રાજકોટ કોંગ્રેસના કાર્યકર્તાઓ ગળામાં શાકભાજીનો હાર પહેરીને મોંઘવારી મામલે ભારે સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
શાકભાજીનો હાર પહેરી વિરોધ : રાજકોટ કોંગ્રેસ કાર્યકર્તાઓએ મોંઘવારી મુદ્દે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમજ આ મામલે સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી હતી. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ મહિલા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને મોંઘવારી મામલે વિરોધ નોંધાવ્યો હતો. મોંઘવારી મામલે રાજકોટ કોંગ્રેસ કાર્યકર્તાઓએ શાકભાજીનો હાર પહેરીને વિરોધ નોંધાવ્યો હતો.
156 બેઠકો સાથે ભાજપની સરકાર હાલ શાસનમાં આવી છે. કૂદકે અને ભૂસકે મોંઘવારી સતત વધી રહી છે. તેમાં શાકભાજીથી માંડીને મોટાભાગની જીવન જરૂરિયાત વસ્તુઓના ભાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. એવામાં ટામેટાનો ભાવ રુ.100 ને પાર પહોંચ્યો છે. તેમજ કઠોળ, કોથમરી અને આદુ સહિતના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. -- ગાયત્રીબા વાઘેલા (કોંગ્રેસ નેતા)
સરકાર ઉપર આક્ષેપ : આ ઉપરાંત ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું હતું કે, ખેડૂતોને પોતાના પાકના પુરતા ભાવ નથી મળી રહ્યા અને વચેટિયાઓ અને સંગ્રહખોર માલામાલ થતા જોવા મળી રહ્યા છે. આવા વચેટિયા અને સંગ્રહખોરોને રોકવાનું કામ સરકારનું છે. પરંતુ સરકાર આ અંગે કોઈપણ નક્કર નિર્ણય લઈ રહી નથી.
શાકભાજીના ભાવમાં ડબલ : હાલ ચોમાસાની ઋતુ શરૂ છે. એવામાં શાકભાજીની આવક ઓછી જોવા મળી રહી છે. ત્યારે રાજકોટ યાર્ડમાં પણ જરૂરિયાત પ્રમાણે શાકભાજીની આવક જોવા મળી નથી. જેના કારણે રાજકોટમાં પણ શાકભાજીના ભાવમાં બમણો વધારો થયો છે. જ્યારે ખાદ્યતેલના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારનું બજેટ ખોરવાયું છે. ત્યારે આ મામલે રાજકોટ શહેર કોંગ્રેસે વિરોધ નોંધાવી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.