'વાયુ' નામના સમુદ્રી તોફાનની રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્ર સાગર તટીય વિસ્તારોમાં થનારી સંભવિત અસરને નિવારવા રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાનો તાગ મેળવવા ઊર્જાપ્રધાને પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે, વીજ પુરવઠાની દ્રષ્ટિએ વેરાવળ, સુત્રાપાડા, માંગરોળ, ચોરવાડ, કેશોદ, પોરબંદર, દ્વારકા, જામનગર, ઓખા, કોડીનાર, રાજુલા, મહુવા, મુન્દ્રા અને માંડવીને ખાસ અસર પહોંચી હતી. વીજ કંપનીની કુલ 632 ટીમો યુદ્ધના ધોરણે વીજળી પુનઃવત કરવા કામે લાગી હતી. તારીખ 13 સાંજના 8 કાલાકની સ્થિતિએ 131 ફીડરો દુરસ્ત કરવાના બાકી હતા. ઉત્તર ગુજરાત વીજ કંપનીના બંધ પડેલા 15 ફીડર પણ ગુરૂવાર રાત સુધીમાં ચાલુ થઇ હતી.
જેમાં પોરબંદરમાં 53, જૂનાગઢમાં 28, જામનગરમાં 17, ભાવનગરમાં 9, બોટાદના 1, અમરેલીના 20 અને સુરેન્દ્રનગરના 3 બંધ ફીડરો ગુરૂવારે મોડી રાત સુધીમાં ચાલું કરી દેવામાં આવશે. જ્યારે 61 ટ્રાન્સફોર્મર અને 416 પોલ ક્ષતિગ્રસ્ત થયા અને 59.8 કિલોમિટરની હાયપર ટેન્શન લાઇન, 29.31 કિમિ એમટી લાઇનને નુકસાન પહોંચ્યું છે.
આ લાઇનો અને પોલને પવનની વધુ ગતિ, વૃક્ષો પડવાને કારણે નુકસાન થયું છે. 4.5 કિમિની એચટી લાઇન અને 0.70ની એમટી લાઇન તત્કાલ રિપેર કરવામાં આવી છે. જેટકો અંગે માહિતી આપતા કહ્યું કે, જામનગર તાલુકાના ચંદ્રગઢ તથા પીપળી 66 KV સબ સ્ટેશન બપોરના સમયે બંધ થતા તેને ચાર કલાકમાં તેને રિપેર કરવામાં આવ્યા હતા.
કોડીનાર તાલુકામાં બંધ પડેલા ઘાટવડ અને આલીદર સબ સ્ટેશન બંધ થયા છે. તેને ફરી ચાલુ કરવાની કામગીરી પૂરજોશમાં શરૂ છે. તેને વૈકલ્પિક લાઇનથી વીજ પુરવઠો આપવાનું કામ પ્રગતિમાં છે. તેમણે વીજ કંપનીના કર્મચારીઓના સામુહિક પ્રયત્નોથી થયેલી કામગીરીને બિરદાવી હતી. બહારની ટીમોને તારીખ 14 બપોર સુધી રોકવામાં આવશે.