રાજકોટ: ધોરાજીના નેશનલ હાઇવે પરના ઉપલેટા રોડ પર આવેલી રોયલ ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી અને ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થી પોતાના હોસ્ટેલ રૂમ નંબર 318માં આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટના અંગેની જાણ થતાં હોસ્ટેલના તમામ કર્મચારીઓ તેમજ હોસ્ટેલ સ્ટાફ દોડી આવ્યો હતો અને સમગ્ર બાબતે ધોરાજી પોલીસને જાણ કરતાં પોલીસ પણ ઘટના સ્થળ પર દોડી આવી હતી.
સુસાઇડ નોટ મળી આવી: ધોરાજીની ગર્લ્સ હોસ્ટેલમાં બનેલી આ ઘટનામાં વિદ્યાર્થીનીએ આપઘાત કરતા પહેલા સુસાઇડ નોટ લખી હોવાની પણ વિગતો સામે આવી છે. આ સુસાઇડ નોટમાં વિદ્યાર્થીનીના પિતાને સંબોધીને લખવામાં આવ્યું છે કે તેમના પિતા દ્વારા તેમને ક્યારેય દીકરી ગણવામાં નથી આવી અને તેમના પર હંમેશા ઓર્ડર અને ગુસ્સો જ કરવામાં આવ્યું છે તેવું સુસાઇડ નોટમાં લખવામાં આવ્યું છે.
સુસાઈડ નોટની પૃષ્ટિ થઇ નથી: આ સુસાઇડ નોટની અંદર વધુમાં લખવામાં આવ્યું છે કે મારા મરવા પાછળ એક અફસોસ બાનો છે જેને મને મા અને બાપ બંનેનો પ્રેમ આપ્યો છે. આ ઉપરાંત પોતાની માતાને સંબોધીને લખ્યું છે કે મા જ્યારે યાદ કરીશ ત્યારે તારી સાથે હોઈશ અને મને માફ કરી દેજે કેમ કે, આટલા ટેન્શનમાં હું જીવી શકું તેમ નથી એટલે મારી આત્માને ક્યારેય શાંતિ નહિ મળે અને મારા એક આંસુનું હું બદલો લઈશ તેવો ઉલ્લેખ છે. આ નોટમાં અંતમાં આઈ હેટ યુ પાપા એવો ઉલ્લેખ કરવામાં છે. આ સુસાઇડ નોટની પૃષ્ટિ હજુ સુધી કરવામાં નથી આવી જેથી અમો પણ આ સુસાઈડ નોટની પૃષ્ટિ નથી કરતા.
પોલીસ કાર્યવાહી: ધોરાજીના નેશનલ હાઇવે પર ધોરાજી-ઉપલેટા રોડ પર આવેલી રોયલ ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી અને ધોરણ 11 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની મૂળ પોરબંદર જિલ્લાના કુતિયાણાની હોવાની પણ વિગતો સામે આવી છે. આ ઘટના અંગેની જાણ થતા જ ધોરાજી પોલીસ સ્ટાફ પણ હોસ્ટેલ ખાતે દોડી આવ્યો હતો અને આપઘાત કરેલી યુવતીની બોડીને ઉતારી પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવાની કામગીરી કરી હતી. હોસ્ટેલમાં બનેલ આ ઘટના બાદ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ અને પૂછતાછ શરૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પરિવારમાં શોકનો માહોલ: ધોરાજીની ગર્લ્સ હોસ્ટેલમાં બનેલી આ ઘટના બાદ હોસ્ટેલમાં પણ સન્નાટો છવાઈ ગયો છે તો બીજી તરફ મૃત વિદ્યાર્થીનીના પરિવારમાં પણ વિદ્યાર્થિનીના આપઘાત બાદ ઘેરો શોકનો માહોલ છવાઈ ચૂક્યો છે અને પરિવાર પણ દીકરીના આપઘાત બાદ ખૂબ દુઃખી અને ચિંતિત પણ જોવા મળી રહ્યા છે.