રાજકોટ: રાજકોટના ગોંડલ રોડ ઉપર આવેલા રાજકમલ પેટ્રોલ પંપ નજીક સાંજના સમયે એક ટ્રાફિક પોલીસ ઉપર બાઈક ચાલક દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં બાઇક ચાલકે લાકડી જેવી વસ્તુ સાથે ટ્રાફિક પોલીસ કર્મચારીને માર કરવામાં આવ્યો હતો. ટ્રાફિક પોલીસકર્મી યુવાનની પાછળ મોટો પથ્થર લઈને દોડ્યો હતો અને ફેંક્યો હતો. રાજકોટમાં બનેલી આ ઘટના કાયદો અને વ્યવસ્થા પર અનેક સવાલો ઉભા કરે છે.
પોલીસકર્મીનો ખુલાસો: પોલીસકર્મી લખન સુસરાએ જણાવ્યું હતું કે ગઇકાલે વિરાણી ચોક નજીક ફાટક પાસે પોઇન્ટ હતો અને હું ત્યાં ફરજ પર હતો ત્યારે આ યુવાન રેલવે ફાટક નજીક સિગ્નલ તોડીને ભાગ્યો હતો. તેને રોકવા જતા બાઈક ચાલકે ગાળો આપી હતી અને પથ્થર અને લાકડી વડે હુમલો કર્યો હતો. ઘટનાસ્થળે હાજર લોકોએ મને સપોર્ટ ન કર્યો અને વીડિયો બનાવવા લાગ્યા હતા. માથાકૂટ કરનાર વ્યક્તિનું નામ નાગદાન ગઢવી છે અને તે ખોડીયાર પરા વિસ્તારમાં રહેતો હોવાનું પણ સામે આવ્યું છે.
મારામારીનો વીડિયો વાયરલ: સમગ્ર ઘટના મોબાઈલમાં કેદ થઇ છે અને તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. બાઈક ચાલક આક્ષેપ કરી રહ્યો છે કે પોલીસ કર્મી દ્વારા તેની પાસે પૈસા માંગવામાં આવ્યા હતા અને ગાળો આપવામાં આવી હતી જેના કારણે તેને હુમલો કર્યો હતો. જાહેરમાં મારામારીથી આસપાસ લોકો પણ ભેગા થઇ ગયા હતા.
તપાસના આદેશ: સમગ્ર ઘટનાની જાણ ટ્રાફિક એસીપીને તેઓએ તપાસના આદેશ આપ્યા છે. તપાસ થયા બાદ કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટમાં આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે ત્યારે પોલીસની કામગીરી ઉપર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. શહેરમાં જાણે પોલીસનું કંઈ અસ્તિત્વ જ ન હોય તેવું ફલિત થઈ રહ્યું છે