રાજકોટ : આ પ્રસંગે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે એકાત્મવાદના પ્રણેતા દીનદયાલ ઉપાધ્યાયજીની જન્મ જયંતી નિમિત્તે શબ્દાંજલિ અર્પિત કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાયાની આંતરમાળખાકીય સુવિધાઓ જેવી કે વીજળી, રસ્તા, નેટવર્ક રાજયના દરેક વિસ્તાર સુધી પહોંચે તેવી કાર્ય-સંસ્કૃતિ વિકસાવી છે, આ પરંપરાને રાજ્ય સરકારની ટીમ આગળ ધપાવી આ સુવિધાઓને વધુ સુદ્રઢ કરવાનું કાર્ય કરી રહી છે.
આ બ્રિજથી રાજકોટના નાગરિકોની સુવિધામાં વધારો થશે તેમજ આસપાસના ઔદ્યોગિક વિસ્તારોના મોટા વાહનોને પણ આવન-જાવનમાં વધુ સગવડ મળશે. આ ફ્લાયઓવર થકી જામનગર- રાજકોટ વચ્ચે અવર-જવર કરતા નાગરિકોના સમય અને ઇંધણનો બચાવ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને જરૂરી આંતરમાળખાકીય સુવિધાથી સજજ બનાવી અન્ય રાજ્યો માટે રોલ મોડલ બનાવ્યું હતું. દેશમાં 9 વર્ષમાં 3 લાખ 28 હજાર કિલોમીટરના ગ્રામીણ રસ્તાઓનું નિર્માણ થયું છે. દેશમાં રોજના 37 કિલોમીટર હાઈવેનુ નિર્માણ થઇ રહ્યું છે. ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સુદ્રઢ માળખાને વધુ વિકસિત કરવા માટે આ વર્ષના બજેટમાં રૂપિયા 20,600 કરોડ જેટલી રકમ અને હાઇવેને ફોરલેન બનાવવા માટે 2800 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. 2200 કરોડના ખર્ચે ત્રણ હાઇવેને સિક્સલેન કરવાની કામગીરી પ્રગતિમાં છે. - ભુપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાન
બ્રિજની વિશેષતાઓ : કાર્યક્રમ દરમિયાન કલેક્ટર પ્રભવ જોશીએ સ્વાગત ઉદબોધન કર્યું હતું. ઉપસ્થિત સર્વે મહાનુભાવોએ ઓવરબ્રિજના પ્રવેશ પાસે પરંપરાગત રીતે શ્રીફળ વધેરીને બ્રિજને ખુલ્લો મુક્યા બાદ શુભારંભ થયેલા બ્રિજ પર સફર કરી હતી. ઉલ્લેખનીય છે કે, મુખ્યપ્રધાનના હસ્તે શરૂ થનાર આ બ્રીજ રૂપિયા 60 કરોડથી વધુના ખર્ચે બન્યો છે. તેની લંબાઇ 1125 મીટર અને 2×11મીટર પહોળાઇ છે. આ ઓવરબ્રિજની બંને તરફ 8.8 મીટર પહોળાઈના સર્વિસ રોડ રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. આ બ્રીજ સ્ટ્રીટ લાઇટ તેમજ વરસાદી પાણીના નિકાલ માટે ડ્રેનેજની સુવિધાથી સજ્જ છે. ઓવરબ્રિજના વાહનની સુગમ અવર-જવર માટે માધાપર ચોકડી પર 50 મીટર અને માધાપર ગામથી ઈશ્વરીયા પાર્ક તરફ જવા માટે 30 મીટર પહોળાઈનું જંકશન પણ બનાવવામાં આવ્યું છે.