રાજકોટ: શહેરના 150 ફૂટ રીંગરોડ-2 પર રાજકોટ મહાનગરપાલિકા સ્માર્ટ સિટી મિશન અંતર્ગત રેસકોર્સ-2 નિર્માણ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષથી અહીંયા કરોડોના ખર્ચે મનપા દ્વારા રેસકોર્સ-2નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે સમગ્ર પ્રોજેક્ટનું કામ પૂર્ણતાના આરે હતું અને દિવાળી દરમિયાન તેને ખુલ્લુ મુકવાની વાત હતી પરંતુ હજુ પણ રેસકોર્સ-2 ખાતે 10 ટકા જેટલી કામગીરી બાકી હોય જેને લઇને હજુ તેને ખુલ્લું મુક્ત બે મહિના જેટલો સમય લાગશે.
વિજય રૂપાણીએ ખુલ્લો મૂક્યો હતો પ્રોજેક્ટ: સમગ્ર પ્રોજેક્ટની વાત કરવામાં આવે તો જે તે વખતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેમજ 2022માં સંપૂર્ણ પ્રોજેક્ટ પૂર્ણ થઈ જવાનો હતો પરંતુ કોરોના કાળના કારણે રેસકોર્સ-2 ની નિર્માણની કામગીરી લંબાઈ હતી. એવામાં વર્ષ 2023ના દિવાળી પહેલા તેનું કામ પૂર્ણ થશે તેવી કોર્પોરેશનના પદાધિકારીઓને આશા હતી પરંતુ દિવાળી પહેલા પણ આ કામગીરી પૂર્ણ થઈ નહોતી. હવે આગામી બે માસ સુધી આ કામગીરી ચાલશે અને 26 જાન્યુઆરીના રોજ તેને ખુલ્લુ મુકાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
અંદાજિત 1 હજાર કરોડનો પ્રોજેક્ટ: રાજકોટ સ્માર્ટ સિટી અંતર્ગત રેસકોર્સ-2 નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જ્યારે અહીંયા કુત્રિમ સરોવર બનાવામાં આવ્યું છે. જેને અટલ સરોવર નામ અપાયું છે. આ સાથે જ ભૂલકાઓ માટે ગાર્ડન વિવિધ રાઇડ્સ સહિતની મનોરંજનની સુવિધાઓ પણ રાખવામાં આવી છે. તેમજ આ આખો પ્રોજેક્ટ અંદાજિત રૂ. 1000 કરોડનો છે. જેને વિજયભાઈ રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા તે દરમિયાન ખુલ્લો મુકવામાં આવ્યો હતો પરંતુ 2022માં આ સંપૂર્ણ કામગીરી પૂર્ણ થવાની હતી જે હજુ સુધી થઈ નથી. એવામાં હવે માત્ર 10% જેટલું કામ નાનું મોટું બાકી છે. જેને ઝડપથી પૂર્ણ કરવા માટે કોન્ટ્રાક્ટ એજન્સીઓને મનપા દ્વારા નોટિસ ફટકારવામાં પણ આવી છે.