રાજકોટ : કોરોના બાદ રાજ્યમાં નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેક આવવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. એમાં રાજકોટમાં છેલ્લા છ મહિનામાં અંદાજિત 10 કરતાં વધુ નાની ઉમરના લોકોના હાર્ટ એટેકના કારણે મોત થયા છે. ત્યારે આ મામલે તબિયત નિષ્ણાતો માની રહ્યા છે કે હાલ આધુનિક સમયમાં લોકોનું બેઠાડું જીવન સાથે જીવનમાં અનિયમિતતા તેમજ આહારમાં બદલાવો સહિતના કારણોમાં વધારો થયો છે. જેને લઇને હવે યુવા વયમાં પણ હાર્ટ એટેક આવવાનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે નાની વયના લોકોમાં હાર્ટ એટેક આવવાની ઘટના મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા એક સંશોધન કરવામાં આવ્યું હતું. જેમાં નાની ઉંમરમાં હાર્ટ એટેક આવવાનું ચોકાવનારું કારણ બહાર આવ્યું હતું.
કાર્ડિયાક અરેસ્ટ પાછળ બ્રુગાડા સિન્ડ્રોમ જવાબદાર : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડોક્ટર યોગેશ જોગસણ અને અધ્યાપક ડોક્ટર ધારા દોશી દ્વારા નાની ઉંમરના લોકોમાં હાર્ટએટેક આવવાની ઘટના મામલે એક સંશોધન કરવામાં આવ્યું હતું. જેમાં સામે આવ્યું છે કે એકદમ સ્વસ્થ લોકોમાં કાર્ડિયાક અરેસ્ટ પાછળ બ્રુગાડા સિન્ડ્રોમનો મોટો હાથ છે. આ સિન્ડ્રોમના લક્ષણો ઘણી વખત ન તો દર્દી જાણી શકે કે ન ડૉક્ટર પકડી શકે છે. આ સિન્ડ્રોમ વિશે જાણવું જરૂરી એટલા માટે છે કે તેનાથી જાગૃત બની શકાય છે અને ભવિષ્યમાં આવા અચાનક આવતા હાર્ટ એટેકને આપણે મહદઅંશે રોકી શકીએ છીએ.
આ અંગે સંશોધન કરવામાં આવ્યું હતું. જેમાં સૌથી મોટું કારણ બ્રુગાડા નામના સિન્ડ્રોમનું સામે આવ્યું છે. જેમાં વ્યક્તિના મગજ અને હૃદયનો તાલમેલ ખોરવાઈ જતો હોય છે. જેના કારણે હૃદય બંધ પડી જવું અને વ્યક્તિમાં એકાએક હાર્ટ એટેક આવવાની સંભાવના વધી જતી હોય છે. જ્યારે આ સિન્ડ્રોમનું મુખ્ય લક્ષણ એ છે કે અમુક વાર વ્યક્તિને કંટાળો આવતો હોય અને બેચેની થતી હોય. શરીરમાં ધ્રુજારી આવતી હોય. આ ઉપરાંત તેના માનસિક સ્વાસ્થ્ય પણ બરાબર હોતું નથી. એવા લોકોને ઇસીજી મારફતે બ્રુગાડા સિન્ડ્રોમ અંગેનો ખ્યાલ આવતો હોય છે. જ્યારે આ પ્રકારનું લક્ષણ આપણા શરીરમાં દેખાય એટલે તેની સારવાર લેવામાં આવે અને આપણું માનસિક સ્વાસ્થ્ય સુધરે તો તેનાથી આવા અચાનક હાર્ટ અટેકથી બચી શકીએ છીએ...ડોક્ટર યોગેશ જોગસણ (મનોવૈજ્ઞાનિક, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી)
બ્રુગાડા સિન્ડ્રોમ શું છે? : તાજેતરમાં જ ઘણા સ્વસ્થ લોકોના મોતના સમાચાર આવી રહ્યા છે. બ્રુગાડા સિન્ડ્રોમ આનું એક દુર્લભ કારણ છે. જેમાં હૃદયના વિદ્યુત આવેગમાં ખામી છે. આ કારણે હૃદયના ધબકારામાં ખલેલ પહોંચે છે. હૃદયના ધબકારા ઝડપી બને છે. બ્લડ પ્રેશરમાં ઘટાડો થાય છે. જેમાં દર્દીનો જીવ પણ જઈ શકે છે. બ્રુગાડા સિન્ડ્રોમ સ્ત્રીઓ કરતાં પુરુષોમાં વધુ સામાન્ય છે. જેના કારણે હાર્ટ એટેક સ્ત્રીઓની સરખામણીએ પુરુષોને વધુ જોવા મળે છે.
હૃદયને બંધ કરતો સિન્ડ્રોમ : બ્રુગાડા સિન્ડ્રોમ એ હૃદયની એક દુર્લભ સ્થિતિ છે. જેમાં હૃદયથી મગજ સુધી સંદેશ સપ્લાયમાં અવરોધ આવવા લાગે છે. હૃદય કામ કરવાનું બંધ કરી દે છે. વ્યક્તિ બેભાન બને છે અને અંતે સ્થિતિ વધુ ખરાબ થાય છે. હૃદય ઘણા રોગોથી પીડાય છે; બ્રુગાડા સિન્ડ્રોમ તેમાંથી એક રોગ છે. આ સિન્ડ્રોમ જીવન માટે જોખમી હોઈ શકે છે અને દર્દીના હૃદયના લયને અસર કરે છે. સામાન્ય રીતે બ્રુગાડા સિન્ડ્રોમ ચોક્કસ રીતે દર્દીઓમાં દેખાતો નથી. તેના કેટલાક ચિહ્નો કે લક્ષણો વ્યક્તિમાં દેખાય છે જેમકે મૂર્છા, અસ્તવ્યસ્ત અથવા ખૂબ જ ઝડપી ધબકારાનો સમાવેશ થાય છે. કોઈ વ્યક્તિ આ સિન્ડ્રોમથી પીડિત છે કે નહીં તેની ખાતરી કરવાનો રસ્તો ECG અથવા ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ છે.
બ્રુગાડા સિન્ડ્રોમનું નિદાન થઈ શકે છે : આ સિન્ડ્રોમની જાણ સહેલાઈથી નથી થતી. બ્રુગાડા સિન્ડ્રોમનું નિદાન ડૉક્ટરની માહિતી પર આધારિત છે. તેના લક્ષણો અલગથી જાણી શકાતા નથી. જો ડૉક્ટરને તેના વિશે પહેલેથી જ ખબર હોય, તો તે તેની તપાસ કરે છે. યુવાનોના અચાનક મૃત્યુનું કારણ શું હોઈ શકે જે હાર્ટ એટેકને કારણે ન હોય? તો તેમાં એક કારણ બ્રુગાડા સિન્ડ્રોમ હોઈ શકે છે. આ રોગને શોધવા માટે એક સરળ પદ્ધતિ છે જેમાં ECG કરવામાં આવે છે. ઇસીજીમાં એક પેટર્ન છે જેને બ્રુગાડા પેટર્ન કહેવામાં આવે છે. બ્રુગાડા એ આ સમસ્યા શોધનાર વૈજ્ઞાનિકનું નામ છે. ECG રિપોર્ટ જોયા બાદ ખબર પડે છે કે આ સિન્ડ્રોમ વારસાગત છે કે નહીં.
બ્રુગાડા સિન્ડ્રોમના લક્ષણ : આ સિન્ડ્રોમને ઓળખવા માટેના લક્ષણ વિશે જણાવાય છે કે વારંવાર ચક્કર આવવા, વારંવાર બેભાન થઈ જવાની સમસ્યા, ધબકારા અનિયમિત થવાની સમસ્યા હોય. પરિવારમાં આકસ્મિક મોત નીપજ્યું હોય તે સહન ન થવું અને ખૂબ તાવ હોય અને શ્વાસમાં તકલીફ થતી હોય ત્યારે તે બ્રુગાડા સિન્ડ્રોમના લક્ષણ હોય છે.
બ્રુગાડા સિન્ડ્રોમ થવાના કારણો અને ઉપચાર : બ્રુગાડા સિન્ડ્રોમ શા માટે ઈસીજીમાં સામે આવે છે તો તેના કારણોમાં જોઇએ તો આ વારસાગત પણ હોઇ શકે છે. ઉપરાંત નબળું માનસિક સ્વાસ્થ્ય, તણાવ, વધુ પડતો તાવ અને હૃદયના અસામાન્ય ધબકારા, વધુ પડતી મેદસ્વિતા હોય, થાકનો અનુભવ થતો હોય છે. બ્રુગાડા સિન્ડ્રોમના ઉપચારમાં નિષ્ણાત ડોકટરની સલાહ લેવાય અને યોગ્ય દવાઓ અને યોગ્ય ઉપચાર થાય તે જરુરી છે.
વ્યક્તિના મગજ અને હૃદયનો તાલમેલ ખોરવાઈ જાય : આ સંશોધન લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણએ જણાવ્યું હતું કે આજકાલ નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેક આવવાનું કારણ વધ્યું છે. જ્યારે હાર્ટ એટેક આવવાના કારણોમાં કેટલાક દેખીતા કારણો પણ હોય છે અને કેટલાક કારણો દેખાતા નથી.