ઈન્ડીયન ઓઈલ કોર્પોરેશનના ગૌરીદળ સ્થિત ડેપોમાંથી પસાર થતી પાઈપલાઈન પાસેના અવાવરૂ વિસ્તારમાંથી શંકાસ્પદ સુટકેસ મળી આવી હતી. જે અંગે કંપનીને ગાર્ડ દ્વારા જાણ કરાઈ હતી. આ કંપનીના કંટોલરૂમ દ્વારા પોલીસ અને જિલ્લા વહીવટી તંત્રના આપદા નિવારણ વિભાગને જાણ કરવામાં આવી હતી. આ સમયે પોલીસ વિભાગના બોમ્બ સ્કવોર્ડને જાણ કરાતા ગણતરીની મિનીટોમાં પહોંચીને તેણે બોમ્બ ડિટેક્ટ કરીને ડિફ્યુઝ કર્યો હતો. આ જ સમયે ડોગ સ્કવોર્ડની ટીમને બીજો બોમ્બ મળી આવ્યો હતો. જેને બોમ્બ સ્કવોર્ડની ટીમે ડીફ્યુઝ કરવાની કોશિષ કરે તે પહેલા જ બોમ્બ બ્લાસ્ટ થઈ જતા જવાન ઘાયલ થયો હતો. જેને રેડક્રોસની ટીમ દ્વારા તરત જ સલામત સ્થળે ખસેડીને સારવાર આપવામાં આવી હતી.
આ અંગે બે ફાયર સ્ટેશન તથા ગેસ લિકેજ ટીમને સંદેશ મળતા જ સમયસર પહોંચીને પોતાની સુઝબુઝ અને સમયસુચકતા વાપરીને આગને કાબુમાં લીધી હતી. આ આગના કારણે ત્યાંથી જ પસાર થતી વિજ લાઈનમાં વિજ પુરવઠાને સ્થગિત કરી દેવામાં આવી હતી. જેને કારણે થનારી જાનહાનીને અટકાવવામાં સફળતા મળી હતી. આ સમયે ગેસ પાઈપલાઈનમાં લાગેલી આગને ફાયર બ્રિગેડના કર્મચારીઓએ ચપળતા અને સતર્કતાથી બુજાવી દેવામાં આવી હતી.
ગેસ પાઈપલાઈન હાઈવેની નજીકમાં જ હોવાથી મુસાફરી વખતે પસાર થનારી બસ આગથી બચવાના પ્રયાસના કારણે ડિવાઈડર સાથે અથડાઈ ગઈ હતી. જેના કારણે બસમાં બેઠેલા મુસાફરો અકસ્માતનો ભોગ બન્યા હતા. આ સમયે આવી પહોંચેલી NDRFની ટીમે બસમાં બેઠેલા 20 જેટલા મુસાફરોને બચાવીને સમયસર સારવાર પુરી પાડી હતી.