રાજકોટઃ શહેરના બાપા સીતારામ ચોક નજીક છેલ્લા પાંચેક વર્ષથી એક ડીગ્રી વગરનો બોગસ તબીબ દર્દીની સારવાર કરી રહ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે આ 68 વર્ષીય બોગસ તબીબની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચ આ કેસમાં વધુ તપાસ હાથ ધરી રહી છે. તબીબ બોગસ હોવાનું બહાર આવતા અને તેની ધરપકડ થવાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
મેડિકલ પ્રેક્ટિસના નામે ગોરખધંધાઃ રાજકોટમાં દર્દીઓના આરોગ્ય સાથે ખુલ્લાઆમ ચેડા થઈ રહ્યા છે. ઠેર ઠેર બોગસ તબીબો દવાની હાટડીઓ ખોલીને પ્રેક્ટિસના નામે ગોરખધંધા કરી રહ્યા છે. પોલીસ વિભાગ આ મુદ્દે સક્રિય પણ છે અને અવાર નવાર બોગસ તબીબોની ધરપકડ પણ કરતી હોય છે. આ બોગસ તબીબો એલોપથી દવાઓના જથ્થા સાથે ઝડપાય છે. તેઓ વ્યાપક પ્રમાણમાં દવા, ઈન્જેક્શન, ડ્રિપિંગ ટૂલ્સ તેમજ અન્ય સર્જિકલ ઈન્સટ્રુમેન્ટનો ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે. આવા બોગસ તબીબો સભ્ય સમાજમાં દૂષણ સમાન છે.
પોલીસ હેડ કોંસ્ટેબલ કિરીટ સિંહ ઝાલા, અમિત અગ્રવાલ અને કોંસ્ટેબલ કુલદીપસિંહ રાણા પેટ્રોલિંગમાં હતા. દરમિયાન તેમને બાતમી મળી કે બાપાસીતારામ ચોકમાં ચામુંડા ડેરીની નજીક એક શખ્સ કોઈપણ જાતની મેડિકલ ડીગ્રી વગર દર્દીઓની સારવાર કરી રહ્યો છે. પોલીસને બાતમી મળતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.અહીં અમૃતલાલ રાજાભાઈ ભાલોડીયા નામના 68 વર્ષના વૃદ્ધ તબીબની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. વૃદ્ધ તબીબ પોલીસ તપાસમાં એક પણ માન્ય તબીબી પ્રમાણપત્ર રજૂ કરી શક્યો નહતો...વાય.બી.જાડેજા(PI,ક્રાઈમ બ્રાન્ચ, રાજકોટ)
એલોપથી દવાનો જથ્થો ઝડપાયોઃ આ વૃદ્ધ બોગસ તબીબ છેલ્લા પાંચ વર્ષથી બાપા સીતારામ ચોકની પ્રજાપતિ સોસાયટીમાં ક્લિનિક ચલાવતો હતો. આ તબીબ દર્દીના આરોગ્ય સાથે ચેડા કરતો હોવાનું માલૂમ પડ્યું છે. જેને લઇને પોલીસે તેની ધરપકડ કરી હતી. ત્યારે ધરપકડ દરમિયાન આ શખ્સ પાસેથી એલોપેથી દવાઓનો જથ્થો અને સર્જીકલ ટૂલ્સ, રોકડ રૂપિયા અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબ્જે લેવાયો છે.