રાજકોટ: સર્વેશ્વર ચોકમાં વોકળાનો સ્લેબ તૂટી પડવાની ઘટના સામે આવ્યા બાદ શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે. જ્યારે ઘટનામાં 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે અને એક વૃદ્ધ મહિલા ભાવનાબેન ઠક્કરનું મોત થયું છે. જ્યારે ઘટનાને પગલે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પણ શહેર ભાજપના અગ્રણીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરીને સમગ્ર ઘટનાનો તાગ મેળવ્યો હતો. રાજ્યના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા સહિતના દિગ્ગજો સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જ્યારે ઘટના મામલે કોંગ્રેસ દ્વારા ભાજપ પર ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યા છે.
ભાનુબેન પહોંચ્યા ઇજાગ્રસ્તોની મુલાકાતે: કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સર્વેશ્વર ચોકમાં સર્જાયેલી ઘટના દુઃખદ છે. જ્યારે ઈજાગ્રસ્તોને હાલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. લોકોને હાલ સારવાર આપવામાં આવી રહી છે. આ ઘટનાની જાણ થતાં જ રાજકોટ મનપા કમિશનર, જિલ્લા કલેક્ટર સહિતની ભાજપના અગ્રણીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. જ્યારે આ ઘટનામાં એક મહિલા ICUમાં દાખલ હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજકોટના સર્વેશ્વર ચોકમાં દુર્ઘટના સર્જાયા બાદ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલનો આવતીકાલનો રાજકોટ જિલ્લાનો પ્રવાસનો કાર્યક્રમ રદ થયો છે. તેઓ વિવિધ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ જોડાય તેવી શક્યતાઓ છે.
કોંગ્રેસ દ્વારા ગંભીર આક્ષેપ: ઘટનાને પગલે રાજકોટ શહેર કોંગ્રેસના અગ્રણીઓ પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. સમગ્ર મામલે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીને ઉગ્ર રજૂઆત કરી હતી. આ ઘટના મામલે કોંગ્રેસના ગાયત્રી બા વાઘેલાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાં વચ્ચેથી પસાર થતા મોટા 12 વોકળા અને નાના 28 વોકળા છે. જે ભાજપ સરકાર દ્વારા વેચી નાખવામાં આવ્યા છે. આ અગાઉ પણ અમે રજૂઆત કરી હતી કે શહેરમાં આવેલ આ વોકળા પરના ગેરકાયદેસરના બાંધકામોને તાત્કાલિક દૂર કરવામાં આવે, પણ ભાજપ શાસિત મનપાના પદાધિકારીઓનું પેટનું પાણી હલતું નથી. જ્યારે કોંગ્રેસની માંગ છે કે ઘટનામાં જે પણ લોકોને જાનમાલનું નુકશાન થયું છે તે તાત્કાલિક આપવામાં આવે અને જવાબદારો સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગણી છે.