રાજકોટ : સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર યોજાનાર છે. ત્યારે આ દિવ્ય દરબારને લઈને બાગેશ્વરધામ સેવા સમિતિ દ્વારા અનેક તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. એવામાં રાજકોટમાં યોજાનાર દિવ્ય દરબારમાં સૌરાષ્ટ્રભરમાંથી 1 લાખ લોકો આવે તેવી શક્યતાઓ છે. ત્યારે દિવ્ય દરબારમાં લોકોની ભીડને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના નેતા એવા ડો. હેમાંગ વસાવડા મેડિકલ સેવા આપશે. જ્યારે એક તરફ કોંગ્રેસના પ્રદેશ કક્ષાના નેતા બાબા બાગેશ્વતનો વિરોધ કરી રહ્યા છે. એવામાં રાજકોટના પ્રદેશ કક્ષાના કોંગ્રેસ નેતા એવા ડોક્ટર હેમાંગ વસાવડાએ દિવ્ય દરબારમાં પોતાની મેડિકલ સેવા આપવાની જાહેરત કરતા રાજકારણમાં ફરી એક વખત ગરમાવો આવ્યો છે.
સમિતિએ કર્યો હતો સંપર્ક : આ અંગે કોંગ્રેસના નેતા ડોક્ટર હેમાંગ વસાવડાએ સાથે વાતચીતમાં જણાવાયું કે જ્યારે મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોય એવામાં કોઈ મેડિકલ ઇમરજન્સી ઊભી થાય તો એવા લોકોને સ્થળ પર જ તાત્કાલિક મેડિકલ સારવાર મળી રહે અને જો વધુ સારવારની જરૂર હોય તો અન્ય સ્થળે વધુ સારવાર માટે તાત્કાલિક ખસેડી શકાય તે પ્રકારનું આયોજન બાગેશ્વર સેવા કમિટી દ્વારા વિચાર હેઠળ હતું. જેના કારણે આ સમિતિ દ્વારા સૌરાષ્ટ્રની સૌથી જૂની અને ખ્યાતનામ હોસ્પિટલ એવી મધુરમ હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો.
અમે અમારી ટીમ અહી સ્થળ પર મોકલવાનો નિર્ણય કર્યો છે. જેમાં બે MBBS દ્વારા ડોકટર અને 4 GNM નર્સિંગ સ્ટાફ ખડેપગે રહેશે. આ સાથે જ ઇમરજન્સી માટે ઑક્સિજન, સસ્ટ્રેચર, સહિતની તમામ મેડિકલ સુવિધા હાજર રાખશું. તેમજ કોઈને મેડિકલ સારવારની જરૂર પડે તો તાત્કાલિક અહી સારવાર ઉપલબ્ધ કરવામાં આવશે...ડો. હેમાંગ વસાવડા (કોંગ્રેસ નેતા)
કોંગ્રેસને આ અંગે કંઈ લેવા દેવા નથી : જ્યારે કોંગ્રેસ નેતા દ્વારા રાજકોટમાં બાબાબાગેશ્વરના દિવ્ય દરબારમાં મેડિકલ સહાય ઉપલબ્ધ કરવામાં આવશે. આ મામલે ડો. હેમાંગ વસાવડાએ જણાવ્યું હતું કે જે મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરાવવાનો સવાલ છે તેને અને રાજકારણ તેમજ કોંગ્રેસને તેમજ બાબાના વિવાદોને આની સાથે કંઈ લેવાદેવા નથી. જ્યારે વર્ષોથી અમે સૌરાષ્ટ્રના પ્રજાની સેવા કરતા આવ્યા છીએ. ત્યારે આ બધા મુદ્દાઓ બાજુમાં રાખીને અમે બાગેશ્વર ધામના દિવ્ય દરબાર ખાતે તબીબી સેવા આપવાનું નિર્ણય જાહેર કર્યો છે.
મેડિકલ ઇમરજન્સીમાં સેવાનો હેતુ : ઉલ્લેખનીય છે કે આગામી 1 અને 2 જૂનના રોજ બાગેશ્વર ધામ સરકાર એવા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર રાજકોટમાં યોજાનાર છેએમ ત્યારે બાગેશ્વર ધામ સેવા સમિતિ દ્વારા આ માટે તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. એવામાં બાગેશ્વર ધામના દિવ્ય દરબારમાં ભાગ લેવા આવતા ભક્તોને કોઈપણ પ્રકારની મેડિકલ ઇમરજન્સીની જરૂર પડે તો તેના માટે હવે અહીંયા મેડિકલની ટીમ પણ ઉપલબ્ધ જોવા મળશે.