રાજકોટ: બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટની મુલાકાતે છે. ત્યારે ગઈકાલે ધીરેન્દ્ર શાસ્ત્રીએ રેસકોસ ગ્રાઉન્ડમાં એક દિવસનો દિવ્ય દરબાર યોજ્યો હતો. ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈને તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ છવાયો છે. ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ આવ્યા હોય જેને લઇને રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ધીરેન્દ્ર શાસ્ત્રીની સાથે મુલાકાત કરી હતી અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા.
જન કલ્યાણ હોલ ખાતે VVIP લોકોનો દિવ્ય દરબાર: ઉલ્લેખનીય છે કે ધીરેન્દ્ર શાસ્ત્રીનો રેસકોસ ગ્રાઉન્ડમાં સાંજે ચાર વાગ્યાથી 12:00 વાગ્યા સુધી દિવ્ય દરબાર યોજાયો હતો. રાત્રિના 12:00 વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી શહેરના જન કલ્યાણ હોલ ખાતે VVIP લોકોનો દિવ્ય દરબાર યોજાયો હતો જેને લઇને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
વિજય રૂપાણીએ લીધા આશીર્વાદ: બાગેશ્વર ધામના પીઠાધીશ્વર એવા ધીરેન્દ્ર શાસ્ત્રીના આશીર્વાદ લેવા માટે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ પહોંચ્યા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે વિજય રૂપાણીએ કેટલીક ચર્ચાઓ પણ કરી હતી. પૂર્વ સીએમ સાથે ભાજપના કોર્પોરેટર નેહલ શુક્લ સહિતના ભાજપના આગેવાનો પણ જોવા મળ્યા હતા. ગઈકાલે યોજાયેલા દિવ્ય દરબારમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરીયા, સાંસદ મોહન કુંડારીયા ધારાસભ્યો, પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરા, તેમજ પૂર્વ સીએમ વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. બાબાઓને મળવા માટે ભાજપના પ્રદેશ કક્ષાના નેતાઓનો પણ જમાવડો જોવા મળતો હતો. ત્યારે આજે રેસકોસ ગ્રાઉન્ડ ખાતે હનુમાન કથા યોજનાર છે. જેમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તેવી શક્યતાઓ છે.
VVIP દરબારથી લોકોમાં રોષ: શહેરના જન કલ્યાણ હોલમાં VVIP લોકો માટે એક અલગ દરબાર યોજાયો હતો. જેમાં 200 જેટલા લોકોએ ભાગ લીધો હતો. આ VVIP દરબારમાં મીડિયાને પણ એન્ટ્રી આપવામાં આવી નહોતી. એવામાં એક તરફ બાબાના દિવ્ય દરબારમાં લોકો સવારના આવીને તડકામાં બેઠા જોવા મળ્યા હતા અને બીજી તરફ પૈસાદાર લોકો માટે વીઆઈપી દરબારી યોજાયો હતો. જેના કારણે વિવાદ સર્જાયો હતો. જો કે આ મામલે આયોજકો દ્વારા કંઈ પણ ખુલાસો કરવામાં આવ્યો નથી પરંતુ ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં પણ વીવીઆઈપી કલ્ચર જોવા મળતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.