બે દિવસ પહેલાં વોરાકોટડા રોડ શાસ્ત્રીનગરમાં કેટલાક તત્વોએ નશીલી હાલતમાં લુખ્ખાગીરી આતંક મચાવ્યો હતો. બનાવનાં પગલે દોડી ઉઠેલી પોલીસે વોરા કોટડા રોડ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી પરિસ્થિતિ થાળે પાડી હતી. વોરાકોટડા રોડ આવાસ વિસ્તારમાં ચાલી રહેલી લુખ્ખાગીરી સામે તિવ્ર રોષ સાથે યુદ્ધ એજ કલ્યાણ ગૃપની આગેવાની હેઠળ વિશાળ રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર અપાયું હતું.
રજુઆતમાં સરદાર પટેલ સેવા દળ, બજરંગ દળ, વિશ્ર્વ હિંદુ પરિષદ, માધાંતા ગૃપ, લેઉવા પટેલ સમાજ, ત્રિરંગા ગૃપ, સારથી ગૃપ, બ્રહ્મ સમાજ સહીત વિવીધ સંગઠનો જોડાઇ જણાવ્યું હતું કે, આવાસ યોજનાનાં કેટલાક ક્વાર્ટરમાં કોઈ રોકટોક વગર દારું જુગાર ડ્રગ્સ સહીતનાં ગોરખધંધા ચાલી રહયાં છે. વરલી મટકાના હાટડાં ઠેરઠેર ચાલે છે. ગૌવંશની કતલ સાથે કતલખાના પણ ચાલી રહયાં છે. દારુડીયાઓનાં દંગલ અહીં રોજની વાત છે. મહીલાઓની કોઈ સલામતી નથી. લવજેહાદની ઘટનાંઓ પણ બનવાં પામી છે.
વોરાકોટડા રોડ આવાસ ક્વાર્ટર ગુન્હાખોરીનું એપીસેન્ટર બનવાં પામ્યાં છે. જો મેગા ઓપરેશન દ્વારા આ વિસ્તારની અસામાજીક પ્રવૃતિઓ બંધ કરી ગુંડાતત્વોનો સફાયો નહીં કરાય તો દિવસ દશમાં આંદોલન શરું કરાશે. વોરાકોટડા પર તાકીદે પોલીસ ચોકી કાર્યરત કરવાં પણ માગ કરાઇ હતી.