રાજકોટ: રંગીલા રાજકોટમાં મોડી રાત્રે હત્યાનો બનાવ સામે આવ્યો છે. રાજકોટના ભાગોળે આવેલા પારાપીપળીયા ગામ નજીક એક યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા વડે હત્યા કરવામાં આવી છે. હત્યા કરીને આરોપીઓ કાર વડે ફરાર થયા હતા. સમગ્ર મામલે રાજકોટની યુનિવર્સિટી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને હાલ વધુ તપાસ શરૂ કરી છે. જોકે રાજકોટમાં હત્યાનો બનાવ સામે આવ્યા બાદ શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે. જોકે હત્યાનું કારણ હજુ અકબંધ છે.
યુવાનની જાહેરમાં હત્યા: સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો રાજકોટ જામનગર હાઇવે ઉપર પરાપીપળીયા નજીક હોટલ જમાવડો આવેલી છે. ત્યાં પ્રકાશ સોનાના નામના યુવાનની કેટલાક અજાણ્યા ઇસમો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે ઘાતકી હત્યા કરવામાં આવી છે. આરોપીઓ હત્યા કર્યા બાદ કારમાં ફરાર થઈ ગયા હતા. હોટલ ખાતે હત્યાનો બનાવ સામે આવ્યા બાદ વિસ્તારમાં લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. બીજી તરફ ઘટનાને લઈને પોલીસ પણ બનાવ સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક પ્રકાશ સોનારા નામનો યુવાન આ જ વિસ્તારમાં આવેલ ખંડેરી ગામનો જ વતની છે.
આરોપીઓ કારમાં બેસીને ફરાર: પ્રકાશ સોનારા નામના યુવકની હત્યા બાદ આરોપીઓ તાત્કાલિક ઘટના સ્થળેથી ફરાર થયા હતા. પ્રકાશની હત્યા કરણસર કરવામાં આવી છે તે હજુ સુધી સ્પષ્ટ રીતે સામે આવ્યું નથી. આરોપીઓ કોણ છે, કેટલા આરોપીઓ હતા, ક્યાંથી આવ્યા હતા, અને ક્યાં ગયા તેની પણ પોલીસ દ્વારા પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી રહી છે. રાજકોટમાં મોડી રાત્રે હત્યાના બનાવકાશમાં આવ્યા બાદ પોલીસ તંત્રમાં પણ દોડધામ મચી જવા પામી છે. ઉલ્લેખનીય છે કે ગણતરીના દિવસોમાં જ રક્ષાબંધન અને સાતમ આઠમનો તહેવાર આવી રહ્યો છે. એવામાં તહેવાર પૂર્વે શહેરમાં હત્યાનો બનાવ સામે આવ્યા બાદ પોલીસ તંત્રની કામગીરી ઉપર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.