રાજકોટઃ બોર્ડની પરીક્ષામાં રાત દિવસ તનતોડ મહેનત કરી વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપતા હોય છે. વિદ્યાર્થીઓએ આપેલી બોર્ડની પરીક્ષામાં શિક્ષણ જગતની ઘોર બેદરકારીનો કલંકિત કિસ્સો સામે આવ્યો છે. રાજકોટના વિરપુર-ગોંડલ નેશનલ હાઈવે પરથી ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન નજીક, ગોમટા ચોકડી અને વિરપુર નજીક ધોરણ 10ના વિદ્યાર્થીઓએ આપેલી બોર્ડની પરીક્ષાના વિજ્ઞાનના પેપર હાઈવે પર રઝળતા જોવા મળ્યાં હતા.
પોલીસ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ સહિતના લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. ગોંડલ પંથકમાં પરીક્ષાના પેપરના પાર્સલ ખાનગી કંપનીના વાહન ચાલકને મળ્યા હતા. જે કારણે વાહન ચાલકે આ પાર્સલ જિલ્લા શિક્ષણ અધિકારીને સુપ્રત કર્યા હતા. રસ્તે રઝળતી બોર્ડની ઉત્તરવહીઓ વિરપુર મૂલ્યાંકન માટે જતી હોવાથી રસ્તામાં પડી ગઈ હોવાનું સામે આવ્યું છે.
પરીક્ષા વેળાએ વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરતા શિક્ષણ વિભાગ સામે પોતાની બેદરકારી સામે કાર્યવાહી કરશે કે કેમ? વિદ્યાર્થીઓના ભાવી સાથે ચેડાં કરતા આ કિસ્સામાં જવાબદારો સામે કોણ પગલા ભરશે એ મહત્વનો સવાલ છે.
