રાજકોટ: શહેરના નવા 150 ફૂટ રીંગ રોડ નજીક આવેલા એક એપાર્ટમેન્ટમાં લાઈટ જવાના કારણે લિફ્ટ અધવચ્ચે બંધ થઈ ગઈ હતી. આ લિફ્ટમાં સવાર વૃદ્ધ તેમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરતા તેઓ છઠ્ઠા માળેથી નીચે પટકાયા હતા. જે ઘટનામાં આ વૃદ્ધનું મોત થયું હતું. આ સમગ્ર ઘટના એપાર્ટમેન્ટમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી. જેના આધારે રાજકોટ તાલુકા પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે રાજકોટમાં એપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી વૃદ્ધનું નીચે પડી જવાના કારણે મોત થતા ચકચાર મચી જવા પામી છે.
કેવી રીતે બની ઘટના?: સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો રાજકોટની ભાગોળે નવા 150 ફૂટ રીંગ રોડનું નિર્માણ થયું છે. જ્યાં અનેક નવા એપાર્ટમેન્ટો પણ તાજેતરમાં જ બનાવવામાં આવ્યા છે. ત્યાં મોટા પ્રમાણમાં લોકો વસવાટ કરી રહ્યા છે. એવામાં ઇસ્કોન એમબીટો નામના અપાર્ટમેન્ટમાં ઉદ્યોગકાર હસમુખભાઈ સવસાણી રહે છે. તેઓ આજે સવારના સમયે એપાર્ટમેન્ટના સાતમા માળેથી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવી રહ્યા હતા. જે દરમિયાન તેમને લિફ્ટનો ઉપયોગ કર્યો હતો. ત્યારે એપાર્ટમેન્ટમાં અચાનક લાઇટ જતી રહી હતી. જેના કારણે આ લિફ્ટ છઠ્ઠા માળે ફસાઈ ગઈ હતી. એવામાં કેટલાક લોકો દ્વારા હસમુખભાઈને લિફ્ટ માંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ આ લિફ્ટની બહારની નજુથીનીચે સરકી ગયા હતા. જેના કારણે હસમુખભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
ઘટના સીસીટીવી કેમેરામાં કેદ: સમગ્ર ઘટનાને પગલે રાજકોટ તાલુકા પોલીસ તાત્કાલિક એપાર્ટમેન્ટ ખાતે તોડી ગઈ હતી અને આ મામલે વધુ તપાસ શરૂ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે હસમુખભાઈ સવસાણી ડીઝલ એન્જિનનું કારખાનું ધરાવે છે. જ્યારે તેઓ ઘટના દરમિયાન પોતાના કારખાને જઈ રહ્યા હતા ત્યારે આ પ્રકારનું બનાવ બન્યો હતો. જોકે એપાર્ટમેન્ટમાંથી વૃદ્ધનું નીચે પડવાની ઘટનાના કારણે મોત થવાની પગલે એપાર્ટમેન્ટ વાસીઓમાં પણ ચિંતાનો માહોલ છવાયો છે. હસમુખભાઈ સવસાણીને સંતાનમાં એક માત્ર પુત્ર હોવાનું પણ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.