રાજકોટ : ઇઝરાયેલમાં યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે રાજકોટની સોનલ ગેડીયાએ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ કર્યો છે. જેમાં તેઓ જણાવી રહ્યા છે કે દર વર્ષે આ પ્રકારના યુદ્ધ થાય છે. જ્યારે આ વર્ષે હમાસ દ્વારા હુમલા માટે અલગ ટ્રીક અપનાવવામાં આવી છે. જેમાં આ વખતે હમાસના આતંકવાદીઓ ઇઝરાયેલની અંદર ઘૂસી ગયા છે અને જ્યાં ત્યાં પબ્લિક ઉપર હુમલાઓ કરી રહ્યા છે. જ્યારે આતંકવાદીઓ રસ્તા ઉપર જોવા મળતા ગમે તે દેશના નાગરિકો ઉપર હુમલો કરવામાં આવી રહ્યો છે. હાલ પણ અહીંયા યુદ્ધની પરિસ્થિતિ શરૂ છે. તેમજ સરકાર દ્વારા સ્થાનિકોને ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. એવામાં બહાર રોકેટ અને બોંબ મારો ચાલુ છે.
દર વર્ષે આ પ્રકારની યુદ્ધની પરિસ્થિતિનો સામનો ઈઝરાઈલ દ્વારા કરવામાં આવતો હોય છે પરંતુ આ વખતે પરિસ્થિતિ થોડીક વિકટ હોય તેવી લાગી રહી છે. ઇઝરાયેલમાં હાલ ભારત અને ગુજરાતના અનેક નાગરિકો રહે છે અને નોકરી કરે છે એવામાં યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે તમામ લોકો ઘરમાં જ પુરાયા છે. આ વર્ષે આતંકવાદીઓ ઇઝરાયેલની અંદર ઘૂસી ગયા છે. જેના કારણે સ્થાનિકોને ઘરની બહાર જવામાં અને રોડ રસ્તા ઉપર જવા માટે ખૂબ જ સાવચેતી રાખવી પડે તેવું છે. જ્યારે હાલમાં ઇઝરાયેલમાં પ્રવેશેલા આતંકવાદીઓ કયા વ્યક્તિને પર હુમલો કરવાનો છે તે કોઈ પણ પ્રકારની ઇન્કવાયરી કરતા નથી અને જે પણ સ્થાનિક તેમને મળે છે તેના ઉપર હુમલો કરી રહ્યા છે. - સોનલ ગેડીયા, ઇઝરાયેલમાં વસવાટ કરનાર ભારતીય
સતત બોમ્બના અવાજો સંભળાય છે : અત્યારે પણ અહી બૉમ્બ મારો શરૂ છે અને ગાજા પટ્ટી માંથી બોમ્બ વિસ્ફોટનો અવાજ પણ સ્પષ્ટ રીતે અહીંયા સાંભળવા મળી રહ્યો છે. ગઈકાલથી આતંકવાદીઓ દ્વારા ઈઝરાયેલ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે આજે વહેલી સવારથી જ ઇઝરાયેલ દ્વારા હમાસ પર હુમલો કરવામાં આવી રહ્યો છે. હાલમાં ઇઝરાયેલના સ્થાનિકોને ઘરની બહાર નીકળવાની મનાઈ છે. ત્યારે પોતે જ પોતાનું ધ્યાન રાખવાનું હાલ સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે.