રાજકોટ: છેલ્લા એક મહિનાથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પાછો ખેંચાયો હતો. જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. એવામાં છેલ્લા બે દિવસથી રાજકોટ તેમજ સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં ધીમીધારે વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે સૌરાષ્ટ્રના જુનાગઢ જિલ્લાના વિસાવદરમાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે વંથલી અને મેંદરડામાં છ ઇંચ જેટલો વરસાદ થયો છે. આ સાથે જ રાજકોટ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ જોવા મળી રહ્યો છે. હાલ ખેડૂતોના પાકને પિયતની જરૂર છે એવામાં વરસાદ પડતા ખેડૂતોની ચિંતા દૂર થઈ છે.
જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ વરસાદ: હવામાન વિભાગ દ્વારા રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેને પગલે સૌરાષ્ટ્ર કચ્છના જુનાગઢ જિલ્લાના વિસાવદર, વંથલી, મેદરડા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. આ સાથે જ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં ત્રણ ઇંચ, મોરબી જિલ્લાના હળવદમાં દોઢ ઇંચ, જ્યારે જામજોધપુરમાં પણ એકાદ ઇંચની આજુબાજુ વરસાદ જોવા મળ્યો હતો. આ સાથે રાજકોટ અને જામનગરમાં ધીમીધારે વરસાદ હાલ પડી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને વહીવટી તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે. તેમજ ભારે વરસાદને પગલે નદી, નાળા અને ડેમના નીચાણવાળા ગામો ઉપર સતત નજર રાખી રહ્યું છે.
રાજકોટમાં વહેલી સવારથી જ વરસાદ: રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લામાં જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જ્યારે ધીમીધારે વરસાદ પડ્યો હતો. રાજકોટ એસ્ટ્રોન ચોકમાં વરસાદના કારણે વૃક્ષ ધરસાઈ થવાની ઘટના સામે આવી હતી. જેમાં એક એમ્યુલન્સ ફસાઈ હતી. આ સાથે જ રાજકોટના નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણ સુધીના પાણી ભરાયા હતા. ત્યારે હજુ પણ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા એકદોઢ મહિનાથી રાજ્યમાં વરસાદ પાછો ખેંચાયો હતો. જેના કારણે ખેડૂતોની ચિંતા વધી હતી. એવામાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે રાજકોટ સહિત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે. જેના ભાગરૂપે સૌરાષ્ટ્ર કચ્છમાં જુનાગઢ, મોરબી અને સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો.