રાજકોટઃ રાજકીય પાર્ટીઓના નેતા પર હુમલો થવો એ કોઈ જૂની ઘટના નથી. જોકે રાજકોટના વિંછીયા તાલુકામાં આવી જ એક ઘટના સામે આવી હતી. અહીં આમ આદમી પાર્ટીના નેતા મુકેશ રાજપરા પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી હતી. તેમની પર 6 જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો. તેમને ગંભીર ઈજા પહોંચતા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીના ઈજાગ્રસ્ત નેતા મુકેશ રાજપરાએ આ હુમલો કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાએ કરાવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.
આ પણ વાંચોઃ Gir Somnath Crime : દેશી દારૂના પીઠા પર દરોડા કરતા પોલીસ પર હુમલો, કર્મીઓ ઈજાગ્રસ્ત
પાણીના પ્રશ્ને આંદોલન કરવાની આપી હતી ચિમકીઃ આપના નેતા મુકેશ રાજપરાએ જણાવ્યું હતું કે, અમે વિસ્તારમાં પાણી પ્રશ્ને આંદોલન કરવાની ચિમકી આપી હતી, જેને લઈને કેબિનેટ પ્રધાનના માણસો દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો છે અગાઉ પણ તેમની પર ફાયરિંગ થયું હોવાનો આક્ષેપ તેમણે કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાના છાત્રાલયમાં તાજેતરમાં જ એક વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી હતી. આ મુદ્દો મે ઉપાડ્યો તેમ જ કુંવરજી બાવળિયાએ ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. તેની અદાવત રાખી મારી પર હુમલો કરાયો હતો.
આ પણ વાંચોઃ Vadodara Crime : અજાણ્યા શખ્સે મહિલા પર પથ્થર વડે હુમલો કરી રહેંસી નાખી, જૂઓ CCTV
પોલીસે શરૂ કરી તપાસઃ જોકે, આ મામલે વિસ્તારના PSI આઈ. ડી. જાડેજાએ જણાવ્યું હતું કે, ઘટનાને પગલે જે ગુનો નોંધવામાં આવ્યો છે. ત્યારે આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે. સાથે જ ઘટના મામલે ડોક્ટરનો પણ અભિપ્રાય લેવામાં આવશે. બીજી તરફ જે ફાયરિંગ અંગેના આક્ષેપ કરવામાં આવ્યા છે. તેને લઈને પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, હાલ આ મામલે પણ તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, વિસ્તારમાં આમ આદમી પાર્ટીના નેતા પર હુમલો થવાને પગલે ચકચાર મચી છે.