રાજકોટ: જસદણ તાલુકાના આટકોટ-ગોંડલ હાઇવે પર આવેલ ખારચીયા અને મોટા દડવા ગામ વચ્ચે હોટલ પાસેથી મૂળ ભાડલાના અને હાલ ચોટીલા રહેતા મયંક સુરેશભાઈ કુબાવતનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેની આટકોટ પોલીસે તપાસ હાથ ધરતા મૃતક યુવકને હોટલ સંચાલકોએ અને બાજુમાં આવેલ પંપ સંચાલકો દ્વારા મોડી રાત્રે માર માર્યો હોય તેમા મયંક નામના વ્યક્તિનું મૃત્યુ થયું હતું. આ બનાવ અકસ્માત નહીં પરંતુ હત્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.
નીકળ્યા હોવાની ત્યાં હાજર લોકોને શંકા: આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ખારચીયા અને મોટા દડવા ગામ વચ્ચે આવેલ વછરાજ હોટલ પાસે મૃતક યુવક મયંક અને તેની સાથેના બીજા બે મિત્રો ચા પીવા માટે ઉભા રહ્યા હતા. જેથી ત્રણેયની હાલત જોઈ ત્રણેય ચોરી કે લૂંટફાટ કરવા નીકળ્યા હોવાની ત્યાં હાજર લોકોને શંકા ગઈ હતી. આ શંકા બાદ ત્રણેય લોકો ત્યાંથી મોટા દડવા તરફ જવા નીકળ્યા હતા. આ દરમિયાન આગળ પેટ્રોલ પંપ હોય હોટલમાંથી કોઈએ પંપમાં કામ કરતા કર્મચારીઓને સાવધાન કર્યા હતા. ત્યારબાદ ત્રણેય લોકો પંપ પાસે બાથરૂમ જવા ઉભા રહેતા પંપમાં કામ કરતા કર્મચારી અને સંચાલકોની શંકા મજબૂત બની હતી. જેથી મૃતક મયંક અને તેની સાથેના શખ્સો ચોરી કે લૂંટને અંજામ આપે તે પહેલા પંપના સંચાલકો લાકડી લઈ સામે દોડી ગયા હતા. જેમાં મયંક હાથમાં આવી જતા મયંકને લાકડી વડે બેફામ માર મારવામાં આવ્યો હતો જયારે બાકીના બે શખ્સો ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતા.
સાત જેટલા આરોપીની અટક કરી લીધી: આ બનાવ બાદ મયંકને મોટરસાયકલ ઉપર બેસાડી હોટલ ઉપર લાવવામાં આવ્યો હતો અને ત્યાં પણ મયંકને માર મારવામાં આવ્યો હતો. મયંકને વધુ પડતો માર મારવામાં આવતા મયંક હોટલ પાસે જ ઢળી પડ્યો હતો. ત્યારબાદ સવારે જસદણ 108 ને જાણ કરતા 108 ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ડોક્ટરે તપાસ કરતા મયંકનું પ્રાણપંખેરુ ઉડી ગયું હતું. જો કે યુવકની મૃતદેહ મળ્યાના પ્રારંભમાં આ બનાવ શંકાસ્પદ લાગતા પોલીસે મયંકને કોઈ મહિલા સાથે પ્રેમ પ્રકરણ હોય એ દિશામાં તપાસ કરી હતી. પરંતુ મયંક સાથે રાત્રે સાથે રહેલા બે યુવકોએ બનેલી ઘટનાની જાણ મયંકના પત્નીને કરતા આ હત્યાનો બનાવ સામે આવ્યો હતો. આ બનાવમાં હાલ આટકોટ પોલીસ મયંકને માર મારવાના બનાવમાં સામેલ સાત જેટલા આરોપીઓની અટક કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે.
આ મામલામાં ઊંડાણપૂર્વક: આ બનાવની મયંકના કાકા દ્વારા આટકોટ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ આ હત્યાના બનાવની વધુ તપાસ આટકોટ પોલીસ ચલાવી રહી છે. આ બનાવમાં પોલીસે દ્વારા ઝડપાયેલા વ્યક્તિઓના નામ જાહેર કરવામાં આવ્યા છે જેમાં નવઘણભાઇ પુંજાભાઇ ઓડેદરા, દિપીપભાઇ માલદેભાઇ ખુટી, દિવ્યેશભાઈ બિપીનભાઇ અજાણી, જયરાજભાઇ પરભાતભાઈ રાઠોડ, અક્ષયભાઇ મનાભાઇ અમર, ચેતનભાઇ ધનસુખભાઇ ધ્રાણ, ભાવેશભાઇ પરભાતભાઇ રાઠોડની પોલીસે અટકાયત કરી આ મામલે વધુ પૂછતાછ અને તપાસ શરૂ કરી છે અને જણાવ્યું છે કે આ વ્યક્તિ દ્વારા શંકાના આધારે યુવકને માર મારતા યુવકનું મોત નીપજ્યું છે ત્યારે પોલીસે આ બનાવવાની ગંભીરતાને ધ્યાને લઈ સાત જેટલા વ્યક્તિઓની અટકાયત કરી છે અને આ મામલામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.