રાજકોટ: આજે સવારે 07:14 મિનિટે રાજકોટ સહિત ગોંડલ, જસદણ, જેતપુર પંથકમાં જોરદાર આંચકો આવ્યો હતો. વહેલી સવારે અચાનક ધરતી હલતા લોકોમાં ગભરાટ જોવા મળ્યો હતો અને લોકો પણ ઘરની બહાર દોડી આવ્યા હતાં. જ્યારે ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાજકોટથી અંદાજિત 19 કિલોમીટર દૂર ભાયાસર ગામ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. તેમજ ભૂકંપની તીવ્રતા 4.8 હોવાનું સામે આવ્યું છે.
એક તરફ કોરોનાને લઈને લોકો ઘરની બહાર નીકળતા પણ અચકાઈ રહ્યાં છે, ત્યારે આજે અચાનક ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર નીકળી ગયા હતાં. જો કે, રાજકોટ પંથકમાં ભૂકંપ આવતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ તાત્કાલિક જિલ્લા કલેકટર સાથે ટેલિફોનીક વાતચીત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. રાજકોટમાં આવેલા ભૂકંપને લઇને હજુ સુધી કોઈ મોટી જાનહાનીં નોંધાઈ નથી, પરંતુ લોકોમાં ફફડાટ ફેલાયેલો જોવા મળી રહ્યો છે.